વિરલ દેસાઈ ~ વારતા

જો ઝંખના મરી જશે તો વારતા પતી જશે,

ને જીવ ઝળહળી જશે તો વારતા પતી જશે.

તું હા કે ના કહે નહીં – છે ત્યાં સુધી મજા મજા,

જવાબ જો મળી જશે તો વારતા પતી જશે.

બધા કહે છે આપણી કથામાં દર્દ ખુટશે

ને દર્દ જો ખુટી જશે તો વારતા પતી જશે.

‘નથી ખબર કશી તને’- એ વારતાનો પ્રાણ છે,

બધી ખબર પડી જશે તો વારતા પતી જશે.

આ વારતા પતી જવી બહુ જરુરી છે વિરલ

કશું સતત ટકી જશે તો વારતા પતી જશે

વિરલ દેસાઈ

ન કહેલા શબ્દોમાં કે ના કહેવાયેલા શબ્દોમાં કેટલું બળ હોય ! કહેવાઈ જાય તો કદાચ વાર્તા પતી જાય ! જ્યાં સુધી જાણ્યું નથી, જ્યાં સુધી સવાલો ઊભા છે ત્યાં સુધી જીવન ધબકે છે… જાણી લો, જવાબો મળી ગયા, વાત પૂરી ! જરા જુદી સંવેદના લઈને આવ્યા છે આ કવિ અને કાવ્યાત્મકતાથી મૂકી આપી છે…

મત્લાનો શેર એક પરમ સત્યને નકરા જીવનના ધરાતલ પર લઈ આવ્યો છે. ઇચ્છાનો મોક્ષ થઈ જાય ને જીવને સમતાભાવ પ્રાપ્ત થઈ જાય, ચૈતન્યને સ્પર્શી લે તો ત્યાંથી આપણે જેને જાણીએ છીએ એ ‘જીવન’ પૂરું થઈ જ જાય ! કવિ, આમ જ કહેવા માંગો છો કે ?  

વારતા પતી જવાના વિચારને જરા હળવાશથી લઈએ તો…. પ્રેમમાં પડેલા કેવા આકાશે ઉડતા હોય છે ! લગ્ન થયા, સચ્ચાઈ જાણી લીધી અને એમાંના કેટલાકની વારતા પતી જાય છે !   

OP 9.6.22

***

વિવેક મનહર ટેલર

09-06-2022

જાણીતી રચના… સરસ આસ્વાદ.

Viral desai

09-06-2022

ખૂબ ખૂબ આભાર 🙏

સાજ મેવાડા

09-06-2022

ખૂબ સરસ રીતે રદિફ નિભાવ્યો છે. સરસ ગઝલ.

Kirtichandra Shah

09-06-2022

Varta pati jashe. The poem ( gazal) and comments by Lata Ben are both just Sunder

છબીલભાઈ ત્રિવેદી

09-06-2022

વિરલ દેસાઈ ની રચના ખુબ સરસ વારતા પતી જશે જીવન ના રંગમંચ નુ પણ કયાક અેવુ છે જો પરદો પડી જશે તો વારતા પતી જશે સરસ કાવ્ય આપનો ભાવાનુવાદ ખુબ સુંદર આભાર લતાબેન

દીપક વાલેરા

09-06-2022

ઉમદા ગઝલ જેટલી વાર સાંભળીએ મજા પડી જાય

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: