તુષાર શુક્લ ~ આંખોમાં બેઠેલા * Tushar Shukla

આંખોમા બેઠેલા ચાતક કહે છે મારું ચોમાસું ક્યાંક આસપાસ છે,
          ગાલો પર લજ્જાની લાલી ફુટ્યાનું કોઈ કારણ પુછે તો કહું ખાસ છે !

કોરી કુંવારી આ હાથની હથેળીમાં માટીની ગંધ રહી જાગી
તરસ્યા આ હોવાના કોરા આકાશમાં આષાઢી સાંજ એક માંગી
વરસાદી વાર્તાઓ વાંચી વાંચીને હવે ભીજાવું એ તો આભાસ છે
          ગાલો પર લજ્જાની લાલી ફુટ્યાનું કોઈ કારણ પુછે તો કહું ખાસ છે !

કોરપની વેદના તો કેમેય સહેવાય નહીં, રુંવે રુંવેથી મને વાગે
પહેલા વરસાદ તણુ મધમીઠું સોણલું રહી રહીને મારામાં જાગે
નસનસ આ ફાટીને વહેવા ચાહે છે આ તો કેવો અષાઢી ઉલ્લાસ છે
          ગાલો પર લજ્જાની લાલી ફુટ્યાનું કોઈ કારણ પુછે તો કહું ખાસ છે !

આંખોમા બેઠેલા ચાતક કહે છે મારું ચોમાસું ક્યાંક આસપાસ છે
          ગાલો પર લજ્જાની લાલી ફુટ્યાનું કોઈ કારણ પુછે તો કહું ખાસ છે !

તુષાર શુક્લ

યુવાપેઢીને પણ ગમે એવા પ્રણયગીતો જેમની કલમેથી વહ્યાં છે એવા કવિ તુષાર શુક્લનું આ ગીત

કવિના જન્મદિવસે વંદન સહ

સાંભળો આ ગીત આરતી મુનશીના સ્વરમાં.  સૌજન્ય : આલ્બ્મ : હસ્તાક્ષર

કાવ્ય : તુષાર શુક્લ સ્વર : આરતી મુન્શી સંગીત : નયનેશ જાની

OP 29.6.22

*****

સાજ મેવાડા

01-07-2022

ખૂબજ સુંદર ગીત અને ગાયન, આનંદ.

વિવેક મનહર ટેલર

29-06-2022

સમયાતીત રચના અને અદભુત સ્વરાંકન અને ગાયકી…

છબીલભાઈ ત્રિવેદી

29-06-2022

ખુબ સરસ ગીત અને અવાજ પણ અેટલોજ મધુર જન્મદિવસ ની શુભ કામના આભાર લતાબેન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: