ભગવતીકુમાર શર્મા ~ એવું કાંઈ નહીં * Bhagavatikumar Sharma

હવે પહેલો વરસાદ ~ ભગવતીકુમાર શર્મા

હવે પહેલો વરસાદ અને બીજો વરસાદ અને છેલ્લો વરસાદ
એવું કાંઈ નહીં !
હવે માટીની ગંધ અને ભીનો સંબંધ અને મઘમઘતો સાદ,
એવું કાંઈ નહીં !

સાવ કોરુંકટાક આભ, કોરોકટાક મોભ, કોરાંકટાક બધાં નળિયાં,
સાવ કોરી અગાસી અને તે ય બારમાસી, હવે જળમાં ગણો
તો ઝળઝળિયાં !
ઝીણી ઝરમરનું ઝાડ, પછી ઊજળો ઉઘાડ પછી ફરફરતી યાદ,
એવું કાંઈ નહીં !
હવે પહેલો વરસાદ અને બીજો વરસાદ અને છેલ્લો વરસાદ
એવું કાંઈ નહીં !

કાળું ભમ્મર આકાશ મને ઘેઘૂર બોલાશ સંભળાવે નહીં;
મોર આઘે મોભારે ક્યાંક ટહુકે તે મારે ઘેર આવે નહીં.
આછા ઘેરા ઝબકારા, દૂર સીમે હલકારા લઇને આવે ઉન્માદ,
એવું કાંઈ નહીં !
હવે પહેલો વરસાદ અને બીજો વરસાદ અને છેલ્લો વરસાદ
એવું કાંઈ નહીં !

કોઈ ઝૂકી ઝરુખે સાવ કજળેલા મુખે વાટ જોતું નથી;
કોઈ ભીની હવાથી શ્વાસ ઘૂંટીને સાનભાન ખોતું નથી.
કોઈના પાલવની ઝૂલ, ભીની ભીની થાય ભૂલ, રોમે રોમે સંવાદ
એવું કાંઈ નહીં !
હવે પહેલો વરસાદ અને બીજો વરસાદ અને છેલ્લો વરસાદ
એવું કાંઈ નહીં !

ભગવતીકુમાર શર્મા

કદી ન વિસરી શકાય એવું ગીત

OP 13.7.22

કાવ્ય : ભગવતીકુમાર શર્મા સ્વર : સોલી કાપડિયા

***

સાજ મેવાડા

13-07-2022

મારી ખૂબજ ગમતી રચના, અને ગમતું ગાયન.

Bakulesh Desai

13-07-2022

Wah Saras

છબીલભાઈ ત્રિવેદી

13-07-2022

ખરેખર કદી ન વિસરી શકાય તેવુ ગીત સરસ મજાની રચના ઓ કાવ્યવિશ્ર્વ મા માણવા મળે છે તેનો ખુબ આનંદ છે આભાર લતાબેન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: