કાલિંદી પરીખ ~ શેતરંજી

શેતરંજી  ~ કાલિંદી પરીખ  

એને પત્ની નહોતી જોઈતી
એને તો એક શેતરંજી જોઈતી હતી,
જેના પર એ ચાલી શકે
જેથી એને તીણા, અણિયાળા પથ્થરો ન વાગે
સહેજ અમથો કાંટો પણ ન વાગે.
અને હા, એના પગને રજ સુધ્ધાં ન સ્પર્શે.
એની ઈચ્છા મુજબ હું પલટાઈ જાઉં
એવી એક જાદુઈ શેતરંજીમાં
જેથી એ ઈચ્છે ત્યારે તેને મનગમતાં ભોજન મળે
એનું દિલ બહેલાવવા મનગમતું પીણું ધરી
એક સુંદરીના રૂપમાં ખડી રહું
અને એના મિત્રોને મિજબાની માટે
બોલાવી શકાય અડધી રાત્રે પણ
હા, એ ઈચ્છે ત્યારે હું સામાન્ય સાદડીમાં
પણ બદલાઈ જાઉં
અને કાળક્રમે જીર્ણ થતાં એ બદલી પણ શકે….

~ કાલિન્દી પરીખ

આ કાવ્ય વાંચતા જઇએ તેમ શેતરંજીની જેમ આપણું ભાવજગત પણ છાતીમાં ધૂળઘેરું થતું જાય.. પુરુષસમાજ સામે, આપણાં સામાજિક માળખા સામે, પરંપરાઓ સામે કેટલો ભયંકર આક્રોશ છુપાયો છે આ કાવ્યમાં ! ‘એની ઈચ્છા મુજબ હું પલટાઈ જાઉં, એવી એક જાદુઈ શેતરંજીમાં…… અને કાળક્રમે જીર્ણ થતાં એ બદલી પણ શકે’ કાવ્યની પરાકાષ્ટા અહીં આવે છે.

આ ગદ્યકવિતા એક વરવી વાસ્તવિકતાનું ચિત્રણ છે. કચડાયેલી સ્ત્રીનો આક્રોશ આમાં તારસ્વરે પ્રગટે છે. સ્ત્રીની પીડા, વેદના અને એની સચ્ચાઇ આ કાવ્યમાં એટલી બુલંદ છે કે એને કોઇ શબ્દોના, અલંકારોના કે કલ્પનોના આભુષણોની જરૂર નથી.. કાવ્યનું શિર્ષક ‘શેતરંજી’ એટલું તો ધારદાર છે અને પછીથી સમગ્ર કવિતાની પ્રવાહી પ્રસ્તુતિ ભાવકને પીડાના દરિયામાં ડૂબાડીને જ રહે છે…

OP 12.7.22

***

Varij Luhar

13-07-2022

વાહ.. સરસ કાવ્ય અને આસ્વાદ

આભાર

13-07-2022

આભાર છબીલભાઈ, મેવાડાજી, બકુલેશભાઈ, ચંદ્રશેખરજી.

આનંદ આનંદ કાલિંદીબેન.

‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેનારા સૌ મિત્રોનો આભાર.

સાજ મેવાડા

12-07-2022

પુરુષો મોટેભાગે સ્રીઓને ઉપભોગની વસ્તુ માનીને એની સાથે કાયમ વર્તતા આવ્યા છે, જે, ‘તુ ચીજ બડી હૈ મસ્ત મસ્ત.’ જેવા ગીતોમાં પણ દેખાય છે. દર્દનાક અભિવ્યક્તિ.

ચંદ્રશેખર પંડ્યા

12-07-2022

અત્યંત ભાવુક રચના! કાલિંદીબેનને અભિનંદન !

Kalindi Parikh

12-07-2022

પ્રિય લતાબેન, કાવ્ય વિશ્વમાં મારું કાવ્ય ‘શેતરંજી’ અને તેનો ખૂબ સુંદર અને ઉચિત રીતે આસ્વાદ કરી, મૂક્યો તે બદલ ખૂબ ખૂબ આભાર.

બકુલેશ દેસાઈ

12-07-2022

આસ્વાદ પણ સરસ

બકુલેશ દેસાઈ

12-07-2022

બેનશ્રીનું સરસ કાવ્ય અભિનંદન.

છબીલભાઈ ત્રિવેદી

12-07-2022

વાહ દીદી કમાલ આવા કાવ્યો તો કોઈ સમર્થ કવિયત્રી જ આપી શકે સ્ત્રી હોવુ તે ખાવા ના ખેલ નથી મોર ના ઈંડા ને ચિતરવા ન પડે પિતાજી વસંતપરીખ અમારા અમરેલી નુ ગૌરવ છે આભાર લતાબેન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: