જગદીપ ઉપાધ્યાય ~ ઢાંક જરી * Jagdeep Upadhyay

ઢાંક, જરી જગદીપ ઉપાધ્યાય

ઢાંક, જરી માથાને ઢાંક
જોબનને છૂટું ના મેલ, મૂઇ ! ધડો લેતી જા કાંક…

મેળામાં છેડીએ ગીત,
પણ દઇએ કોઇને ન ચિત્ત
ઠોઠ! જરી શીખ તું ગણિત.
કે’દી તને આવડશે આંક ? મૂઇ ! ધડો લેતી જા કાંક…

રાખ ના ભરોસો તલભાર,
સુંવાળું ટૌકી દિ ચાર
ઊડી એ જાશે ઓ પાર,
કમખે પંખી ન ટાંક! મૂઇ ! ધડો લેતી જા કાંક…

ડરતાં જે કરતા’તા રાવ,
આજ મોઢે કહે એ સાવ
કેટલાને કહું, ‘હવે જાવ..!’
કૈંક હશે તારોય વાંક ! મૂઇ ! ધડો લેતી જા કાંક…

કાચું તે તોડ નહીં પાન,
લીલાશો લઇ લેશે જાન
આગ છે વસંત: જરા માન!
કેમ નથી સાંભળતી હાંક ! મૂઇ ! ધડો લેતી જા કાંક…

~ જગદીપ ઉપાધ્યાય

‘કાચું પાન ન તોડવાની’ અને ‘લીલાશો લઇ લેશે જાન’ જેવાં પ્રયોગો બહુ સાંકેતિક રીતે ઉછાળા મારતી અલ્લડ યુવાનીની અને જો એ ન જળવાય તો એના કરુણ અંજામની આખી દાસ્તાન રજૂ કરી દે છે. અલબત્ત ગંભીર વાતને કાવ્યાત્મકતાનો એવો મજાનો સ્પર્શ છે, લયનો હિલ્લોળ આખાય ગીતમાં એવો છવાયો છે  કે વહ્યે જતી ગીતની મસ્તી કાવ્યને ક્યાંય ગંભીર બનાવતી નથી ઉલ્ટુ કલ્પનોની ને રજૂઆતની નજાકત આખાય ગીતને રસમય બનાવી દે છે. .

કાવ્યબાની ગીતમાં રજૂ થતા ગ્રામ્યસમાજને અનુરૂપ છે. ગીતના શબ્દો વાચાળ છે. સીધીસાદી બોલચાલની ભાષા ને ‘મૂઇ, ઠોઠ, જોબન, ધડો, કમખો..’ જેવાં તળપદી શબ્દોથી આખું ગીત જાનદાર ને લચીલું બને છે. પ્રાસમાં આવતા શબ્દો ભાવપ્રવાહમાં સહજ રીતે ગોઠવાઇ જાય છે. પ્રાસ માટે આયાસ અહીં જરાય વર્તાતો નથી. ‘ઢાંક, કાંક, આંક, ટાંક, વાંક, હાંક’ની પ્રાસરચના મજાની લાગે છે. અને ગીતનો લય પણ પૂરેપૂરો જળવાય છે. ગીતનું સાર્થકપણું ગાનમાં છે. આ ગીત સરસ રીતે સૂરબદ્ધ થાય એવું છે. વિષય એ જ ચિરપરીચિત છે પણ રજૂઆત ડોલાવે એવી છે.

પ્રિય જગદીપભાઈને એમના જન્મદિને સ્મૃતિવંદના સાથે….

OP 24.7.22

***

Meena Jagdish

31-08-2022

તળપદી ભાષા સાથે શબ્દોનો પ્રાસ…. કવિતાને ગીતનું સ્વરૂપ આપે છે…👏👏👏🙏🏻

સાજ મેવાડા

24-07-2022

સરસ ગીત, અને આપનો આસ્વાદ

ઉમેશ જોષી

24-07-2022

જગદીપભાઈ ઉપાધ્યાયને સ્મરણ વંદના..

છબીલભાઈ ત્રિવેદી

24-07-2022

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: