રઘુવીર ચૌધરી ~ પગલી * લતા હિરાણી * Raghuveer Chaudhari * Lata Hirani

પગલી પારિજાતની ઢગલી !
ઘરમાં આવ્યું વૃંદાવન ને હૈયે કુંજગલી !

કાલ સુધી જે છાયાઓ આંગણ ઘેરી પથરાતી,
શેરીમાં ચિંતાની રજ ઊડતી ઠરતી અટવાતી.
આજ હવા તુલસીક્યારાની ફરતે ગાવા ચલી.
પગલી પારિજાતની ઢગલી !

પંખીએ માળો બાંધ્યો છે કિરણોનાં તરણાંનો
યમુનાને શો ઉમંગ એણે સાદ સૂણ્યો ઝરણાંનો
સંશયની કારા તૂટી ગઈ, દુનિયા સઘળી ભલી.
પગલી પારિજાતની ઢગલી !…. 

~ રઘુવીર ચૌધરી

આસ્વાદ ~ લતા હિરાણી

ઘરમાં નાનકડી બાળકીનું આગમન કેટલો ઉલ્લાસ પ્રગટાવે છે. દીકરીના જન્મ પર રડતાં રૂઢિચુસ્ત સમાજની વાત છોડો, એવા લોકો રોગી મનોદશા ધરાવે છે અને એને ખુદ ઈશ્વર પણ સુખ ન દઈ શકે. અહી વાત છે બાળજન્મથી છવાતી સહજ ખુશીની. અને એમાંય આ તો લાડકડીનો જન્મ ! સ્વાભાવિક છે કે પ્રસૂતિ પહેલાના પડછાયાઓ ઘેરા હોય, ચિંતાભર્યા હોય. શું થશે ? ના સવાલો અનુત્તર હોય. આ આપણી સંસ્કૃતિ છે કે ઘર જ નહીં શેરી પણ આ ચિંતામાં સહભાગી હોય ને પછી અચાનક સમય અટકી જાય છે. એક પળ આખા માહોલ પર છવાઈ જાય છે. થોડી પ્રતિક્ષા, થોડો વંટોળ, થોડું તોફાન ને એમાંથી એક હાસ્ય પ્રગટાવતું રૂદન ખીલી ઊઠે છે. ચિંતાની રજ લઈને ઊડતી હવા તુલસીક્યારાની પ્રદક્ષિણામાં પલટાય છે.   

ઓવારી જવાનું મન થાય એવી નાજુક અને મધુર શરૂઆત. આ ગીતમાં આવતા શબ્દો ‘વૃંદાવન’,  ‘કુંજગલી’, ‘તુલસી’, ‘યમુના’ વગેરે એક જુદા જ ભાવવિશ્વમાં આપણને ખેંચી જાય છે. શરૂઆતના શબ્દો છે ‘પગલી પારિજાતની ઢગલી’ અને મન પર સવાર થાય છે એક એવી ઢીંગલી, નન્હી-મુન્નીસી ગુડીયા કે જેની પગલીઓ પારિજાતની ઢગલી જેવી અનુભવાય. નાનકડી કુમળી ગુલાબી પાનીઓ નજર સામે તાદૃશ થઈ ઊઠે છે. આવી પગલીઓ વૃંદાવન અને કુંજગલીનું રસભર નમણું સુખ વરસાવે. આવી કુમળી પગલીઓ હૃદયને પારિજાતની સ્વર્ગીય સુગંધથી છલકાવે.

‘તુલસીક્યારો’ શબ્દનો પ્રવેશ કેટલો સુખદ લાગે છે ને કેટલો સાંકેતિક પણ છે ! કુંવારી દીકરીને આપણે તુલસીક્યારો ગણાવીએ છીએ. સમયની ચાલ તેજ છે. કિલકારીઓથી ઘર ગુંજે છે. નિર્દોષ ઉજળા મુખડાએ પંખીના ટહૂકાની જેમ કિલકારીઓ પાથરી છે. પ્રકાશને પણ હવે ક્યાંય નથી જવું. અહીં જ વસવું છે. ઝરણાનું કલકલ અને યમુનાનો હિલ્લોળ ઘરમાં વેરાઈ ચૂક્યા છે. શું થશે ? કેમ થશે ? સવાલો અનેક હતા, સંશયો પણ અનેક હતા. એ સઘળું ગુમ છે. આનંદના વહેણમાં બધું વહી ચાલ્યું છે. હવે દુનિયા સરળ છે, મજાની છે, ગમે એવી છે. કેમ કે પારિજાતની ઢગલી ઘરમાં મહેકે છે.

દીકરી માટેના ઘણાં કાવ્યો લખાયાં છે. એમાં દીકરી વિદાયના વધારે છે. પુત્રીજન્મના વધામણાં લેતા કાવ્યો પ્રમાણમાં ઓછાં છે. એક સમર્થ કવિ આ વિષયને નિરૂપે ત્યારે એનું સૌંદર્ય કેવું હોય એનો અણસાર આ ગીત આપે છે. પ્રત્યેક શબ્દ નાજુકાઈ અને નમણાશને લઈને આવે છે. રણઝણતા લયના હિલ્લોળે રમતું આ ગીત ભાવકને દીકરીના વ્હાલથી ભીંજવી દે છે.

જ્ઞાનપીઠ પુરસ્કારથી સમ્માનિત સાહિત્યકાર ડો. રઘુવીર ચૌધરીનું આ નાજુક નમણું ગીત. સહજતા અને સરળતામાં કેટલું સૌંદર્ય અને માધુર્ય છે એનો અનુભવ આ ગીત આપી જાય છે. – લતા હિરાણી

દિવ્ય ભાસ્કરની કૉલમ કાવ્યસેતુમાં પ્રકાશિત 2.2.2016

મૂળ પોસ્ટીંગ 5.12.2020

5 Responses

  1. લતાજી, આપે આ કાવ્યનો ઉઘાડ ના કર્યો હોત તો મારા જેવાને સમજવા ખૂબ જ અઘરું પડત. અભિનંદન તમારી આસ્વાદીક કળાને.

  2. ખુબ સરસ આસ્વાદ કાવ્ય વિશ્વ ને અભિનંદન

  3. Saryu parikh says:

    સરસ રસદર્શન.
    સરયૂ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: