યુવા કવિને રેઈનર મારિયા રિલ્કેના પત્રો ~ મેઘનાદ હ. ભટ્ટ * Meghanad Bhatt * Rainer Maria Rilke

‘‘સમર્પી શું તારી ક્ષણક્ષણ બધી આ જગતને?’’ –  મેઘનાદ હ. ભટ્ટ

પત્રો – યુવાન કવિને – રેઈનર મારિયા રિલ્કે – અનુવાદઃ જયા મહેતા – જશવંતી દવે

‘‘કવિતાના અનુવાદકો વિદ્રોહીઓ છે… અનુવાદકોનો વંશ અમર રહો’’ કવિશ્રી નિરંજન ભગતના આ વિધાનનું સ્મરણ કરી, વ્યક્તિગત તેમ જ સંયુક્ત રીતે સાહિત્યની ચિરંજીવ કૃતિઓના સુંદ૨, સર્જનાત્મક અનુવાદકાર્યમાં સક્રિય રીતે પ્રવૃત્ત રહેનાર જયા મહેતા તેમ જ જશવંતી દવેને વીસમી સદીના એક વૈશ્વિક પ્રતિભાવાળા કવિના ખૂબ જ મહત્ત્વના અને કવિ, સાહિત્યકાર, તેમ જ કોઇ પણ સંવેદનશીલ વ્યકિતના જીવનને સાંગોપાંગ સ્પર્શે એવા પત્રોનો ગુજરાતી અનુવાદ આપવા માટે હર્ષોલ્લાસથી અભિનંદન આપીએ. ડૉ. સુરેશ દલાલ એમની સૂત્રાત્મક શૈલીમાં આ પત્રોને ‘‘કોઈ પણ કલાકાર માટે બાઈબલકહે છે. કુલ દસ પત્રો છે- માત્ર ૪૪ પાનાં એથી આપણે એને બાઈબલના દસ આદેશો (TEN COMMANDMENTS  કહીશું?

એક ઊગતો કવિ કાપ્યુસ રિલ્કેને પત્ર લખી પોતાને અકળાવતા- સર્જક જીવની અજંપાની માધુરી જેવા- પ્રશ્નો પૂછે છે. સંમોહથી જીવનયુદ્ધમાં થાકીને પાર્થ થઇ જાણે કૃષ્ણને જીવન- મરણના (સર્જક જીવનને સ્પર્શતા) પ્રશ્નો પૂછે છે. મહાકવિ રિલ્કે જીવનના કુરુક્ષેત્રમાં જયી-વિજયી થવાનો, જાતના જાતે જ સારથિ થવાનો સુવર્ણપથ દોરે છે. સાહિત્યના એક અર્જુન માટે.

દસમાંથી પહેલા પાંચમાં સંબોધન ‘‘પ્રિય મિત્ર’’ છે જ્યારે પછીના પાંચ પત્રોમાં સંબોધન ‘‘પ્રિય મિત્ર કાપ્યુસછે- અલબત્ત, નિકટતમ પારદર્શકતા- જે વ્યક્તિ તરીકે રિલ્કેની મહાનતાની સૂચક છે, તે તો દરેક પત્રમાં ભારોભાર છે. આ દસ પત્રોમાંથી નવ પત્રો અઢાર મહિનાના સમયગાળામાં લખાયેલા છે જે રિલ્કેના જીવનનો પણ મહત્ત્વનો સમયગાળો હતો. હકીકતમાં રિલ્કેની ભવિષ્યની મહાન કવિતાનો આધારનક્શો ‘‘LEITMOTIVES” અહીં મળે છે. જીવનના અંત સમયે રિલ્કે કબૂલે છે તેમ આ પત્રો એની સર્જનાત્મકતાનો ઉત્તમ આવિષ્કાર છે.

સર્જકને અન્યની સલાહ ઉપયોગી ન થાય એવો સાવધાનીનો સૂર કાઢી એક હમસફર મિત્ર તરીકે ઘણાં ઉપયોગી સૂચનો રિલ્કે કરે છે- ‘‘કોઈ તને સલાહ આપી શકે નહીં કે મદદ કરી શકે નહીં, કોઈ જ નહીં. તારે ફક્ત એક જ કામ કરવું જોઈએ – તારી પોતાની જ ભીતર પ્રવેશ કર. તને લખવા માટે ફરજ પાડતાં કારણોની તલાશ કર; તારા હૃદયના ઊંડાણ સુધી એણે મૂળિયાં જમાવ્યાં છે કે નહીં તે જો, જો તને લખવાની મનાઇ કરવામાં આવે તો તું જીવી જ નહીં શકે એમ લાગે છે કે કેમ તેની પોતાની જાત પાસે કબૂલાત કર.’’ રાતની શાંતિ, એકલતા, અંતરનું ઊંડાણ, ઉદાસીન પળો, અંતરનો અવાજ, સ્વસ્થ પળોનું આત્મજ્ઞાન, વૃક્ષના જેવી પરિપક્વતા, પોતાના સદ્ગુણોની ઈમાનદારી અને નિર્દોષતા પ્રત્યે કેળવ્યા વિનાનું અભાન અજ્ઞાન – આ વાતાવરણમાં જાતને કોળવા દેવાની છે- કેળવવાની છે

વાતો પત્રોરૂપે થાય છે એથી અંગતતાથી સાથે સહાનુભૂતિભરી ઉષ્મા સહજ રીતે આવે. એથી જ તો એ કબૂલ કરે કે ‘‘પ્રવાસ કરતો હોઉં ત્યારે મને કાગળ લખવા ગમતા નથી; કારણકે પત્ર લખવા માટે મને બહુ જરૂરી સાધનો કરતાંય વધારે સાધનોની જરૂર પડે છેઃ થોડી શાંતિ અને એકાંત અને બહુ પ્રતિકૂળ ન હોય એવો સમય.’’ પણ આ અંગતતાનો વ્યાપ તો જુઓ. ‘‘પ્રિય મિત્ર, તારા એકાંતને ચાહ અને એનાથી થતી વેદના સાથે ગાવાનો પ્રયત્ન કર. કારણકે તું લખે છે કે જે તારી નજીક છે તે દૂર છે અને એ દર્શાવે છે કે તારી નિકટ છે તે ખૂબ દૂર હોય, તો સમજી લેજે કે તારી વિશાળતા તારાઓની વચ્ચે જ છે અને એ ઘણી મહાન છે. તારા વિકાસ બદલ ખુશ થા, અલબત્ત, એમાં કોઇને તું તારી સાથે ન લઇ જઇ શકે.

મબલખ પ્રેમ કરવાનો, પ્રશ્નોને જીવીને જીવનને પામવાનો, સમગ્ર વાતાવરણ (વિશ્વ) સાથે તરબતર થઇ જીવવાનો પ્રણવમંત્ર પામવાય આ પત્રો વાંચવા અનિવાર્ય છે- કાપ્યુસનું એક કાવ્ય રિલ્કે પોતાના હસ્તાક્ષરમાં નકલ કરી મોકલે છે ત્યારે લખે છે… ‘‘અને હવે હું તને આ નકલ મોકલું છું, કારણકે મને ખબર છે કે બીજા કોઇના હસ્તાક્ષરમાં પોતાની કૃતિને ફરીથી પામવી એ મહત્ત્વનું છે અને એક નવો જ અનુભવ કરાવે છે. પહેલાં ક્યારેય તેં વાંચી જ ન હોય એવી રીતે એ કવિતા વાંચજે અને તારા અંતરતમમાં અનુભવીશ કે એ કેટલી બધી તારી પોતાની છે-’’ આમ તો આ પત્રોમાંથી ઘણુંઘણું ટપકાવવાનું મન થાય છતાં છેવટે માત્ર એક રિલ્કેને ‘રિલ્કેબનાવતું એક એંધાણ- “છેવટે જરૂરી તો આટલું જ છેઃ એકાંત, ભીતરનું વિશાળ એકાંત. પોતાની ભીતર જવું અને કલાકો સુધી કોઇને જ મળવું નહીં- આટલું તો તારે મેળવવું જ જોઇએ.’

મૂળ જર્મનમાંથી અંગ્રેજી અનુવાદ સ્ટીફન મિશેલે કર્યો છે- મૂળ અનુવાદિત કૃતિમાં અનુવાદકે નોંધ્યું છે કે પત્રોમાં માત્ર ભાષાંતર નથી પણ નિકટતમ પત્રવ્યવહાર છે. અને એથી ભાષામાં થોડી ‘સાંધાની અક્કડતાઆવે એ રહેવા દીધી છે.

ગુજરાતી અનુવાદમાં પણ પત્રની સહજ ભાષા સ્વાભાવિક રીતે, જરાય કૃતકતા વિના પ્રકટી છે.

આપણે તો કાપ્યુસની પ્રસ્તાવનાનું છેવટનું વાક્ય નોંધી વીરમીએ:

AND WHERE A GREAT AND UNIQUE MAN SPEAKS, SMALL MEN MUST KEEP SILENCE”

આપણા મૌનને મુખર બનાવી રિલ્કેને આ પત્રો દ્વારા સાચા અર્થમાં સાંભળીએ.

2 Responses

  1. ઉમેશ જોષી says:

    ખૂબ સરસ અભિવ્યક્તિ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: