લક્ષ્મી ડોબરિયા ~ એના સુધી  

અવકાશ છે હજુ પણ

એના સુધી જવાનો, અવકાશ છે હજુ પણ.
પગ વાળી બેસવાનો, અવકાશ છે હજુ પણ.

મ્હોરાં ઊતારવાનો, અવકાશ છે હજુ પણ.
હળવાશ માણવાનો, અવકાશ છે હજુ પણ.

જે કંઈ થયું છે એમાં, બીજું તો થઈ શકે શું?
મનને વલોવવાનો, અવકાશ છે હજુ પણ.

કંઈપણ નથી..ના ગીતો ગાવાનો ક્યાં વખત છે?
આનંદ વ્હેંચવાનો, અવકાશ છે હજુ પણ.

પ્રશ્નો છે એક સરખા, કિન્તુ જવાબ નોખાં,
તાજું વિચારવાનો, અવકાશ છે હજુ પણ.

મતભેદ છે અડીખમ, ને તોય ચાલી ચર્ચા,
સંવાદ સાધવાનો, અવકાશ છે હજુ પણ.

આ એક વાત જાણી અજવાળું થઈ ગયું છે,
અંધારું તાગવાનો, અવકાશ છે હજુ પણ.

~ લક્ષ્મી ડોબરિયા

પોઝીટીવીટીની ગઝલ. જીવનમાં ખોટું નથી થયું એવું નહીં પણ સુધારવાનો, પસ્તાવો કરવાનો વખત છે હજુ.  મોડું નથી થયું. ભૌતિક બાબતોથી સૂત્ર વણતા જઈને અંતે આત્મભાન સુધી લઈ જવાની સુંદર કળા.

8 thoughts on “લક્ષ્મી ડોબરિયા ~ એના સુધી  ”

  1. Kirtichandra Shah

    બન્ને રચનાઓ સરસ છે અમને ગમી છે ધન્યવાદ

  2. સકારાત્મક અભિગમ કવિયત્રીની વિશેષતા છે. અભિનંદન.

  3. હરીશ દાસાણી.મુંબઈ

    આશાવાદ અને વાસ્તવ-બંનેના સ્વીકાર અને પડકારની સુંદર ગઝલો

  4. લક્ષ્મી ડોબરિયા

    ખૂબ ખૂબ આનંદ સાથે આભાર. કાવ્યવિશ્વ 🙏🌷

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *