ડૉ. મહેબૂબ દેસાઈ ~ ગાલીબ * Dr. Mahebub Desai

ગાલીબ : એક કમનસીબ શાયર


27 ડીસેમ્બર 1797માં આગ્રામાં જન્મેલ મિર્ઝા અસદુલ્લાહ બેગ ખાં અથવા મિર્ઝા નૌશા અથવા મિર્ઝા ગાલીબ (1797 થી 1869) ભારતના જ નહિ વિશ્વના મહાન શાયર હતા. ગાલિબના કવિનામ અંગે પણ નાનકડો ઇતિહાસ છે. પહેલા તેઓ ‘અસદ’ના નામે લખતા. પણ એ જ નામે બીજો એક શાયર તદન નકામાં શેરો લખતો. એ શેરો વાંચી ગાલીબ ભડક્યા. અને પોતાનું ઉપનામ ‘અસદ’ બદલી ‘ગાલીબ’ રાખ્યું. ગાલીબ એટલે વિજયી. પણ વિજય તેમના જીવનમાં કોશો દૂર રહ્યો હતો. શાયરીના ક્ષેત્રમાં પણ એમના યુગમાં તેમની શાયરીની એટલી ગણના નહોતી થઇ. જેટલી આજે થાય છે. એવા કમનસીબ આ શાયરની શાયરી વિષે એમના મૃત્યુ પછી એટલું બધું લખાયું છે કે તેમના શેરો આજે પણ આમ માનવીની જબાન પર રમે છે.

“પૂછતે હૈ વહ કે ગાલીબ કૌન હૈ
કોઈ બતલાઓ કિ હમ બતલાયે કયા ?”


“દિલે નાદા તુઝે હુઆ કયા હૈ
આખરી ઇસ દર્દ કી દવા કયા હૈ
હમકો ઉનસે હૈ વફા કી ઉમ્મીદ
જો નહિ જાનતે વફા કયા હૈ”

“ઉમ્ર ભર ગાલીબ યહી ભૂલ કરતા રહા
ધૂલ ચહેરે પર થી, ઔર આયના સાફ કરતા રહા”


ઝાહિદ શરાબ પીને દે મસ્જિત મે બેઠકર
યા વો જગહ બતા જહાં ખુદા નહિ”

આવા શાયરનું જીવન યાતનાઓ, દુ:ખો અને અપમાનોથી ભરેલું હતું. એ ઈતિહાસ બહુ જાણીતો નથી. અંગ્રેજ સરકારનું પોતાના હક્કનું પેન્શન લેવા તેમણે એટલા બધા અપમાનો સહ્યા હતા કે તેમના માનો શાયર પોકારી ઉઠ્યો હતો,

હરેક બાત પે કહે તે હો કિ તું ક્યાં હૈ, તું હૈ
જરા હંમે બતલાઓ યે અંદાજે ગુફ્તગુ કયા હૈ”

છતાં એ ખુદ્દાર ઈન્સાને ન તો પોતાની ખુદ્દારી છોડી હતી, ન ઝીંદગીની નિષ્ફળતાઓ સાથે સમાધાન કરવા પ્રેર્યા હતા.

ભારતના આ અવ્વલ દરજ્જાના શાયરને ઝીંદગીની જરૂરતો માટે નાના નાના અનેક કામો કરવા પડ્યા હતાં.તેમાનું એક કાર્ય ઇતિહાસ લેખનનું પણ હતું. ઇ.સ. ૧૮૫૦માં ગાલીબની રાજ દરબારમાં તૈમુરવંશનો ઇતિહાસ લખવા માટે નિયુક્તિ કરવા આવી. દિલ્હી કોલેજમાં ફારસીના અધ્યાપક તરીકે ટોમસ સાહબે તેમની નિયુક્તિ કરી. નોકરીના પ્રથમ દિવસે પાલખીમાં કોલેજ પહોંચ્યા. પણ કોલેજના દરવાજે ટોમસ સાહેબ આવકારવા ન આવ્યા. અને પાલખી ઉપાડનાર કહારને પાલખી પાછી ઘરે લઇ લેવા ગાલીબ સાહેબે આદેશ આપ્યો. આટલી સારી નોંકરી છોડી દેવાનું કારણ આપતા ગાલીબ ફ્ક્રથી મિત્રોને કહેતા,
“જે નોકરીથી ઈજ્જત વધવાને બદલે ઘટે તેવી નોકરી મારે નથી કરવી”

આવી ખુમારીથી જીવનાર ગાલીબ પાસે ઘરનું છાપરું ચળાવવાના પણ પૈસા ન હતા. ચોમાસામાં ઘરની છતમાંથી પાણી સતત ચુતું રહેતું. એ ઘટનાને આલેખતા એક મિત્રને તેઓ લખે છે,
“આજ દિવસ સુધી તો માત્ર કહેવત સાંભળી હતી કે “ખુદા દેતા હૈ તો છપ્પર ફાડકે દેતા હૈ” આજે છાપરામાંથી પાણી ટપકી રહ્યું છે ત્યારે એનો જાત અનુભવ થયો છે”

15 ફેબ્રુઆરી 1869ના રોજ આ કમનસીબ શાયરનું અવસાન થયું. સુખી પિતાની પુત્રી છતાં વેદનાભર્યા જીવન સાથી ઉમરાવ બેગમ પણ પછી ઝાઝું ન જીવ્યા. એક વર્ષમાં જ 4 ફેબ્રુઆરી 1870ના રોજ તે પણ ખુદના દરબારમાં પહોંચી ગયા.

~ ડો. મહેબૂબ દેસાઈ (લેખ ટૂંકાવીને)

@@

3 Responses

  1. સરસ માહિતી, સલામ

  2. Minal Oza says:

    ગાલિબ વિષયક લેખ સારો બન્યો છે.

  3. ખુબ સારો પરિચયાત્મક લેખ ખૂબ ગમ્યો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: