મકરંદ દવે ~ માધવ મોરપિચ્છ અવલોકે & મુંને અનહદ સાથે નેહ * Makarand Dave * સ્વર Amar Bhatt

માધવ મોરપિચ્છ અવલોકે

માધવ મોરપિચ્છ અવલોકે
વાર વાર કંપિત કરથી
ધરતા વિરહાકુલ શોકે

આકુલ અપલક રાધા કેરી
ઝાંખી ઉરે જગાડી
મોરપિચ્છ  મહીં અનુખન
નીરખે અંકિત આંખ ઉઘાડી
ઝીણી ઝલમલ તંતુ તંતુ પર
સોહે સ્વર્ણિમ છાયા,
નયન તરે સંકોચે સરતી
કોમળ કાંચન કાયા

પ્રાણે પૂર્ણ વણાઈ નીલિમા
નિખિલ નીલમણિ  કેરી,
પાગલ નૃત્ય કરી કરી ખરવું
શ્યામ વદનઘન હેરી
મોરપિચ્છ નિજ શિરે લગાવત
ધારી પ્રેમ અગાધા,
માધવ ડોલત વન વન કુંજે
બોલત રાધા! રાધા!

~ મકરન્દ દવે

કાવ્ય ~ મકરન્દ દવે

સ્વરકાર:ગાયક ~ અમર ભટ્ટ

મારો અનહદ સાથે નેહ

મારો અનહદ સાથે નેહ!
મુંને મળ્યું ગગનમાં ગેહ. (સ્થાન,થાનક)

ખરી પડે તે ફૂલ ન ચૂંટું,
મરી મટે તે મીત;
મનસા મારી સદા સુહાગણ
પામી અમરત પ્રીત :
અનંત જુગમાં નહીં અમારે
એક ઘડીનો વ્રેહ!
મુંને મળ્યું ગગનમાં ગેહ.

ચારે સીમ પડી’તી સૂની
માથે તીખો તાપ;
મેઘરવા મુંને હરિ મળ્યા ત્યાં
અઢળક આપોઆપ!
મીટ્યુંમાં વરસ્યો મોતીડે
મધરો મધરો મેહ!
મુંને મળ્યું ગગનમાં ગેહ.

સતનાં મેલી રંગ સોગઠાં
ખેલું નિત ચોપાટ;
જીવણને જીતી લીધા મેં
જનમ જનમને ઘાટ;
ભદ ન જાણે ભોળી દુનિયા
ખોટા ખડકે ચેહ :
મુંને મળ્યું ગગનમાં ગેહ.

~ મકરંદ દવે

2 Responses

  1. બંને રચનાઓ મનભાવન, ખૂબ જ સરસ. સ્મૃતિ વંદન કવિને.

  2. બન્ને રચનાઓ ખુબ ગમી પ્રણામ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: