મણિલાલ હ. પટેલ ~ મન માને તો & કાગળો અક્ષર વગર * Manilal H. Patel

મન માને તો

મન માને તો મળજો
નહિતર નિજમાં પાછાં વળજો
મન માને તો મળજો….

ઝરમર ઝરમર શ્રાવણ વરસે
પહાડો, ખીણો, વૃક્ષો સંતાકૂકડી રમતાં,
મગમગ મગમગ મ્હેકી ધરતી
ખળખળ વ્હેતાં ઝરણાં : માની મમતા.
મીત મળે તો સ્મિત આપજો
ફૂલની ડાળી જેવું લળજો
મન માને તો મળજો …

એકલવાયા ઘરમાં ક્યારે આભ ઊતરશે—?
ઋતુએ ઋતુએ રાહ જોઈએ
સાચું કહું છું : નથી કર્યા એ ગુનાઓની
કરી આકરી સજા કોઈએ…
સહેજ વાર પણ અતીત સાંભરે
દિલનાં દુઃખડાં દળજો
મન માને તો મળજો. …

~ મણિલાલ હ. પટેલ

એક હળવું સરળ ગીત. જો કે બીજા અંતરામાં એ હળવાશ થોડી ભારે બની જાય છે જ્યારે નાયક કહે છે, “સાચું કહું છું : નથી કર્યા એ ગુનાઓની કરી આકરી સજા કોઈએ….”  આ કવિતા છે, એની હળવાશ છેતરામણી હોય શકે…. પીડાને ક્યાંકથીયે પ્રગટવું જ હોય છે…. 

આપણે

કાગળો અક્ષર વગર તે આપણે,
શબ્દ-વિણ ખાલી નગર તે આપણે.

લાગણીની ઓટ છે, ભરતી નથી,
સાવ ખારા દવ અગર તે આપણે.

આજ પાછી યાદ આવી છે તરસ,
વિસ્મરણથી તરબતર તે આપણે.

આજના છાપા સમા તાજા છતાં
જિંદગીથી બેખબર તે આપણે.

ટેરવાંમાં સ્પર્શ નામે શ્હેર છે
આમ જોકે ઘર વગર તે આપણે.

~ મણિલાલ હ. પટેલ

હું, તમે અને સૌની લાગણીની, વેદનાની અભિવ્યક્તિ. અક્ષર વગરનો કાગળ કેવો નમાયો, ઓશિયાળો લાગે ! સીધું હૈયામાં ઊતરી જાય એવું કલ્પન અને છેલ્લો શેર … ‘ટેરવામાં સ્પર્શ નામે શ્હેર છે…. વાહ કવિ !  અદભૂત…

5 Responses

  1. Hetal Rao says:

    સુંદર અભિવ્યક્તિ 👌👏👏

  2. ઉમેશ જોષી says:

    ગીત અને ગઝલ ખૂબ ખૂબ સરસ..
    સંવેદનશીલ ્.

  3. કાવ્યમાં સરળ, લયબંધ શબ્દો ગીત આને ગઝલને કેવું સુંદર પરિણામ આપી શકે તેનો દાખલો દેવા કામ આવે એવી રચનાઓ છે. વાહ.

  4. હરીશ દાસાણી.મુંબઈ says:

    ગીત અને ગઝલ બંને મનમાં વસી જાય તેવાં સુંદર

  5. વાહ ખુબ સરસ રચનાઓ ખુબ ગમી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: