કવિ અરદેશર ખબરદાર * Ardeshar Khabardar

કવિ અરદેશર ખબરદાર  

“પ્રેરણા વગર હું કદી પણ કવિતા લખવા બેઠો નથી કે કોઈએ મગાવી તેથી તુરત લખી આપી નથી. પ્રભુની મહેરથી વાણી પર મૂળથી જ કાબૂ રહ્યો છે કે બધી રચનાઓ ઝરાની માફક ઉતરતી ને આગળ વહેતી રહે.” ~ ખબરદાર 

‘જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં સદાકાળ ગુજરાત’ આ પંક્તિ દુનિયાભરમાં ગુજરાતીઓની ઓળખાણ બની ગઈ છે. ગુજરાતનો સ્થાપના દિવસ હોય કે પરદેશમાં ગુજરાતીઓનું ગૌરવ લેવાનું હોય, આ પંક્તિનો  ઉપયોગ જરૂર થાય છે. આ કવિતાના સર્જક અરદેસર ફરામજી ખબરદારની આજે 70મી પુણ્યતિથિ છે ખબરદાર નામે જાણીતા આ કવિએ આ પંક્તિઓ ઉપરાંત ઘણું સાહિત્ય ખેડાણ કર્યું હતું.

1985માં એક સામયિક ‘માસિક મજાહ’માં દોહરા લખવાની સ્પર્ધા હતી. નાનકડા ખબરદારે પોતાનું લેખન મોકલ્યું. એ જમાનાના મોટા કવિઓએ ભાગ લીધો હોવા છતાં ખબરદાર વિજયી થયા. ખબરદાર ત્યારે માત્ર 15 વર્ષના હતા માટે તેમની પ્રશંસા કરતું, ‘પારસી બુચો કવિ’ (બુચો એટલે બાળક છોકરો) એવું લખાણ છપાયું એ વખતથી કવિ તરીકેની તેમની નામના શરૂ થઈ અને આજે તો એ નામના નવખંડ ધરા પર ફરી વળી છે. નાની વયે લખવાની શરૂઆત કર્યા પછી આજીવન લખ્યા કર્યું હોય એવા કવિઓ બહુ ઓછા છે એમાં ખબરદાર નો સમાવેશ થાય છે.

બાળપણમાં કવિતાના બીજ તેમના પિતામહે રોપ્યા એમ કહી શકાય કેમ કે તેમના પિતામહ વાંચનના શોખીન હતા. એટલું ઓછું હોય એમ કુલજોશીએ પણ ભવિષ્ય ભાખ્યું હતું કે આ બાળક સુવિખ્યાત કવિ થશે. કુળજોશીએ આ વાત જ્યારે કહી ત્યારે પિતામહ આનંદિત થયા હતા અને સહજ રીતે બોલી પડ્યા હતા,

બુચાજી આયા ને કવિતા લાયા
એવણે માંડ્યું પગલું ને લોક ભરાયું સઘલું

એ રીતે પિતામહ પણ જોડકણા કરી શકતા હતા. આ વારસો અરદેશરમાં ઉતર્યો. પિતામહ નિયમિત રીતે કથા-વાર્તા, ઇતિહાસની વાતો નાનકડા અરદેશરને સંભળાવતા હતા. માતા અને દાદી સરસ રીતે ગીતો ગાતા હતા. આવા વાતાવરણમાં તેમનો ઉછેર થતો હતો. આગળ જતાં કવિ થોડો સમય તેમના મામાને ઘરે રહ્યા હતા. મામા અંગ્રેજી કવિતાઓ લખતા હતા, અહીં અંગ્રેજી કવિતા સાથે ખબરદારનો સંપર્ક થયો. જાણે અજાણે આ બધી કવિતાએ પારસી સજ્જનમાં રહેલા કવિનું ઘડતર કર્યું.

કવિ નો જન્મ દમણમાં થયો હતો અને ત્યાં જ ઉછેર્યા. પરંતુ અમુક ચાહકોને બાદ કરતા દમણનાં રહેવાસીઓને ખબરદાર વિશે જાણકારી નથી. સદ્ભાગે આજે દમણમાં ખબરદારના નામે માર્ગ છે. પોતાના જન્મસ્થાન વિશે કવિએ ‘મ્હારું બચપણનું ઘર’ નામે કવિતા પણ લખી છે. જન્મ સમયે એમની મૂળ અટક હિંગવાળા હતી પછી પોસ્ટવાળા એવી થઈ, પછી ખબરદાર થઈ. પાંચ વર્ષની વયે પિતાનું નિધન થતાં માતા-દાદીએ તેમનો ઉછેર કર્યો હતો.

પારસીઓ અશુદ્ધ ગુજરાતી લખતા હતા અને પારસી માલિકીના વર્તમાન પત્રો એ અશુદ્ધિને રૂઢ કરતા હતા ત્યારે ખબરદાર એ પ્રારંભથી જ પ્રમાણમાં શુદ્ધ ગુજરાતી લખવાની શરૂઆત કરી હતી.

ખબરદાર ના કાવ્યસર્જનના પ્રારંભિક પ્રયત્નો પહેલા ત્રણ સંગ્રહોમાં જોવા મળે છે. તેમને એક વિવેચકે ‘સાહિત્યપ્રેરિત કવિ’ તરીકે ઓળખાવ્યા છે તેનો મર્મ એ કે તેમણે કાવ્યલેખનકળા અંગ્રેજી તથા ગુજરાતી સાહિત્યના પરિશીલનથી હસ્તગત કરી હતી અને ક્રમે ક્રમે વિકસાવી હતી. બીજા અનેક કવિઓની માફક તેમણે પણ કવિતાલેખનનો એકડો દલપતશૈલીને ગુરુ સ્થાને રાખીને ઘૂંટ્યો હતો.

તેમણે ન્હાનાલાલની શૈલી ના ગીતો આપ્યા છે અને કાંત કલાપીના નમુનાના ખંડકાવ્યો પણ રચ્યાં છે. તેમની કવિત્વશક્તિનો ખરો આવિર્ભાવ વીરરસના અને રાષ્ટ્રપ્રેમનાં કાવ્યોમાં સૌપ્રથમ જોવા મળે છે. ‘પ્રકાશિકા’માં ‘અમારો દેશ’, ‘હલ્દીઘાટીનું યુદ્ધ’, ‘ગુણવંતી ગુજરાત’, ‘ભરતભૂમિનું જયગીત’ વગેરે કાવ્યોમાં તેમની ઉત્કટ સંવેદના અને બલિષ્ઠ ભાષાશૈલીનો રોચક પરિચય થાય છે. ચતુર કવિ તરત જ પોતાની સિદ્ધિ પારખી લે છે અને આ પ્રકારના ઉત્તરોત્તર ચડિયાતા કાવ્યો આપતા જાય છે, જે વખત જતા ‘ભારતનો ટંકાર’ અને ‘રાષ્ટ્રિકા’માં સંગ્રહિત થાય છે.

નર્મદ અને હરિ હર્ષદ ધ્રુવ પછી દેશભક્તિ અને વીરરસની કવિતા ખબરદારને હાથે રચાઈ તેનો સંસ્કારી વાચકો પર ઉત્તમ પ્રભાવ પડ્યો હતો. રાષ્ટ્રજીવનના અનેક ગૌરવસ્પદ પ્રસંગો ઉપર તેમણે સ્વદેશભક્તિથી ઉભરાતી સુંદર રચનાઓ આપી છે. ભારતના ભૂતકાળનું ગૌરવ, વર્તમાન કરુણતા અને ભાવિનું આશાચિત્ર દોરીને તેઓ ભારતમાતાના સંતાનોને માતાની મુક્તિ કાજે સર્વસ્વનું બલિદાન આપવા હૃદયસ્પર્શીબાનીમાં અનુરોધ કરે છે. તેમણે સદાકાલ ગુજરાત રચીને તેમજ ગુજરાતના કવિઓ અને વીરપુરુષોને અંજલી આપતા કાવ્ય લખીને દેશ અને ભાષા ઉભયની ઉચ્ચ કોટીની સેવા બજાવી છે. એ પ્રકારના કેટલાય કાવ્યોમાં ગુજરાતી કવિતાએ જે સુંદરતા અને પ્રેરકતા ધારણ કરી છે તે કવિ ખબરદારની કીર્તિને સાહિત્યમાં ટકાવી રાખે તેવી છે. ‘ભારતનો ટંકાર’માં તેમણે છંદોના અનેક પ્રયોગો કરેલા છે. મિશ્ર હરિગીત, ઝૂલણા અને જુના ભજનોના કેટલાક ઢાળ તેમને સારી પેઠે ફાવી ગયા છે.

તેમણે ન્હાનાલાલ અને બોટાદકરને અનુસરીને રાસ લખ્યા છે. તેમાં ભાવસમૃદ્ધિ વ્યંજકતા અને કલ્પનાની મનોરમ લીલા લાવવાનો પ્રયત્ન કરેલો દેખાય છે પરંતુ વિશાળ કલ્પના ફલકના અભાવે તેમજ શબ્દનું સૌષ્ઠવ પારખવાની અશક્તિને કારણે તેમના રાસ કળાની દ્રષ્ટિએ ખાસ આકર્ષણ જન્માવી શક્યા નથી. આમ છતાં લોકબોલી અને લોકગીતના લયને તેઓ સફળપણે પોતાની રાસ રચનાઓમાં યોજી શક્યા છે.

ખબરદાર ની કવિતાની વિશેષ પ્રગતિ તેમના ભજનોમાં જોવા મળે છે. પ્રભુ ભક્તિ તેમના વ્યક્તિત્વનો એક ઉત્કૃષ્ટ અંશ છે. ‘ભજનીકા’, ‘કલ્યાણીકા’, ‘નંદનિકા’ અને ‘કીર્તનિકા’, તેમના આ પ્રકારના કાવ્યસંગ્રહ છે.  તેમાં મુકેલા કાવ્યો માત્ર કલ્પનાનું પરિણામ નથી પરંતુ આધ્યાત્મિક અનુભવોનો સાચો નિચોડ છે એમ કવિએ ખુલાસો કર્યો છે તે ઘણે અંશે સત્ય લાગે છે. સ્થળે સ્થળે તેમાં ભક્તહૃદયની ઉત્કટતા, શરણભાવ અને સાચો પ્રભુપ્રેમ નીતરી રહે છે. જુના ભજનોના ઢાળમાં વહેતી સરળ અને પ્રસાદીક વાણીમાં તેઓ ભક્તહૃદયના સંવેદનો અને તત્વજ્ઞાનના વિચારોને રમતા કરે છે. પણ નરસિંહનો પયગંબરી આવેશ કે ન્હાનાલાલના કલ્પના વૈભવ અને ઊંડાણ ખબરદારના ભજનોમાં જોવા મળશે નહીં.

ભક્તિકાવ્યો ની સાથે જ તત્વજ્ઞાનને વિષય બનાવીને કવિએ રચેલ 6000 પંક્તિના લાંબા કાવ્ય ‘દર્શનિકા’નો વિચાર કરીએ. કવિએ તેમાં ધર્મ, કવિતા અને તત્વજ્ઞાનનો સમન્વય સાધવાનો પ્રયત્ન કર્યો છે. જીવન, મૃત્યુ, વિશ્વ, પરમાત્મા વગેરે મૂળભૂત પ્રશ્નોનો એમાં કવિ દૃષ્ટિએ વિચાર થયેલો છે. હિન્દુ ધર્મના પુનર્જન્મમાં અને કર્મફળ, ઈશ્વરની કરુણામયતા અને તેની યોજનાની મંગલમયતા વગેરે સિદ્ધાંતોને આ પારસી કવિએ આત્મસાત કરીને અહીં મૂક્યા છે. જીવનની અસ્થિરતા, મૃત્યુનું નૃત્ય, જીવનનું ગાન વગેરે ખંડો પાડીને ઝૂલણા છંદમાં તેમણે પરસ્પર સંકલિત છતાં સ્વયં સંપૂર્ણ મુક્તકોમાં પોતાનું તત્વજ્ઞાન ઠાલવ્યું છે. જગતની ભવ્ય રચના તેની અગાધ વિશાળતા અને સર્વત્ર વિલસી રહેલો પ્રેમ કવિને ખૂબ આકર્ષે છે.  દા.ત.

જન્મીને જીવવું તે નહીં જીવવું, જીવન સુંદર જીવે તે નવાઈ  
જગતનું જીવન નિજ અમૃતથી પોષવું, જીવન પ્રભુતા ખરી એ જ ભાસે

વિશ્વચૈતન્ય ની વ્યાપકતા ને લક્ષમાં લઈને તે માનવીને વ્યક્તિત્વનો વિસ્તાર કરવાનું ઉપદેશે છે.

માનવી, ઊઠીને થા ઊભો પૂર્ણ તું! શીશ તારું ઊંચે વ્યોમપુગે
વ્યક્તિત્વ લંબાવ તારું બધે, વિશ્વ પૂજે તને વદન મુંગે.

કવિએ સતત અને અવિરત સર્જન કર્યું છે એટલે એમના નામે સંખ્યા બંધ કવિતા સંગ્રહો બોલે છે સંપાદન પણ કર્યું છે અંગ્રેજીમાં પણ લખ્યું છે. ખબરદારે સંખ્યાબંધ રચનાઓ કરી એમાં ઘણા કાવ્યો રાસ ગરબા પણ લખ્યા પરંતુ એ બધી રચનાઓ જ્યાં જ્યાં વસે એક ગુજરાતી જેટલી પ્રચલિત નથી થઈ.

માતૃભાષા વિશે કવિ કહે છે, “ગુજરાતી જ આપણી માતૃભાષા છે, એ શું હજીય મારા ધર્મબંધુઓને કહેવું પડશે ? ઘરમાં ગમે તેમ બોલાતી અને જાહેરમાં ગમે તેમ નિયમ વગરની લખાતી અશુદ્ધ ભાષા તે કદી ખરા નાગરિકનું ભૂષણ થઈ શકતી નથી. શુદ્ધ સંસ્કારી ભાષા તો શુદ્ધ લોહી જેવી છે. સદાયે શક્તિવર્ધક અને ખાનદાની ભાષા પરના પ્રભુત્વ વગર વિચારનું કે ભાવનું પૂર્ણ પ્રકાશન થતું નથી અને વાણીથી મળતા ઉચ્ચ આનંદ ભોગવાતા નથી.” ( આ વાત આજેય એટલી જ સાચી લાગે છે ને !)

કવિતાના વિવિધ સ્વરૂપોમાં એક સ્વરૂપ એ ‘પવાડો’ આ બહુ ઓછો જાણીતો પ્રકાર છે. મૂળ તો આ મરાઠી કાવ્યપ્રકાર છે જેના પર કવિ ખબરદારે હથોટી મેળવી છે. જેમાં કોઈ ઐતિહાસિક પ્રસંગ કે યુદ્ધનું વર્ણન આવતું હોય એવું કાવ્ય એટલે પવાડો. કવિ ખબરદારે આ પ્રકારના કેટલાંક કાવ્યો લખ્યા છે જેમ કે ‘શ્રીજી ઈરાનશાહનો પવાડો’(પારસી કોમના ઇતિહાસની વાત), ‘ગાંધી બાપુનો પવાડો’ (બાપુ વિશે)  

કવિના કાવ્યસંગ્રહો (કુલ અઢાર)
સો દૃષ્ટાંતિક દોહરાઓ (1897), કાવ્યરસિકા (1901), વિલાસિકા (1905), પ્રકાશિકા (1908), ભારતનો ટંકાર (1919), પ્રભાતનો તપસ્વી (1920), સંદેશિકા (1925), કાલિકા (1926), ભજનિકા (1928), રાસચંદ્રિકા -1  (1929), રાસચંદ્રિકા – 2 (1941), દર્શનિકા (1931), રાષ્ટ્રિકા (1940), શ્રીજી ઈરાનશાહનો પવાડો (1942), નંદનિકા (1944), ગાંધીબાપુ (1948), ગાંધીબાપુનો પવાડો (1948), કીર્તનીકા (1953), મનુરાજ અથવા વિશ્વનાટિકા (1990 મરણોત્તર) )   

આ ઉપરાંત કવિએ નાટ્યસંગ્રહ, વિવેચન, સંપાદનનાં ગ્રંથો આપ્યા. અંગ્રેજીમાં એમના બે કાવ્યસંગ્રહો પ્રગટ થયા. અમુક અપ્રકાશિત રચનાઓ પણ છે.

**

કવિ અરદેશર ખબરદાર
જન્મ : 6.11.1881 દમણ
અવસાન : 30.7.1953 મદ્રાસ
માતા-પિતા: શિરીનબાઈ ફરામજી 
જીવનસાથી: પિરોજાબાઈ
સંતાનો: મણિ, તેહમીના, કાવસજી, પેસ્તનજી

**

સૌજન્ય : અર્વાચીન ગુજરાતી સાહિત્યની વિકાસરેખા : સાક્ષરયુગ ~ ધીરુભાઈ ઠાકર

1 Response

  1. ખુબ સરસ આલેખ ખૂબ જાણવા લાયક અભિનંદન કાવ્ય વિશ્વ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: