ગઝલની ભાષા ભાગ 4 ~ રવીન્દ્ર પારેખ
ગઝલની ભાષા ભાગ 4
બીજું એક ઉદાહરણ, રાજેન્દ્ર શકલના આ બે શે’રોનું જોઈએ:
સ્પર્શ રૂપ રસ ગંધ કં તત્વાય નમઃ સ્વાહા,
શબ્દરૂપ હવિ હવ્ય ખં તત્વાય નમ: સ્વાહા.
@
હું ત્યાં જ છું, હતો હું જ્યાં, હું સહેજ પણ ખસ્યો નથી,
અને અનાદિ કાળથી જ હું સતત પ્રવાસ છું.
પહેલા શે’રમાં શ્લોક છે, ઉત્તમ છે, પણ ત્યાં પણ વાતચીતની ભાષા નથી, બલકે, સુસંકૃત પંડિતાઈ છે. શે’રને અપેક્ષિત ચોટ એમાં નથી, એટલે અહિ ઉત્તમ કવિતાનો અનુભવ થાય છે, પણ શેરનો અનુભવ થતો નથી, જયારે બીજા શે’રમાં ત્રણવાર ‘હું’નો મહિમા કરીને તેની ગતિ ‘હતો’થી ‘છું ‘
સુધીની દર્શાવીને આ પ્રવાસ અનાદિ કાળથી ચાલે છે ને કશી પ્રાપ્તિ નથી તેવા અણકહ્યા સંકેતથી ચોટ જન્માવે છે. અહિ પણ પહેલામાં કાવ્ય છે, શે’ર નથી. જયારે બીજામાં કાવ્ય સિદ્ધ થઈને શે’રનો મિજાજ પણ સિદ્ધ કરે છે.
આમ તો કોઈ પણ કાવ્ય પ્રકાર માટે અસરકારક ભાષા અનિવાર્ય ગણાઈ છે, એ જ ગઝલને પણ અપેક્ષિત છે, છતાં ભાષા સિદ્ધ થવા છતાં ગઝલ સિદ્ધ થાય જ એવું ન પણ બને. રદીફ-કાફિયા જાળવતી કોઈ પણ બે પંક્તિ શે’ર બને જ એવું ન પણ બને. બે શે’ર જોઈએ:
દીવાનાને ક્યારે જમાનાએ માર્યો,
જમાનાને કાયમ દિવાનાએ માર્યો. ~ મનુભાઈ ત્રિવેદી’ગાફિલ’
@
પ્રણય-અમૃત પીનારાને મરણ દરકાર શા માટે?
ડૂબ્યા છે તે તર્યા સાચા, પછી ભવપાર શા માટે? ~રઘુનાથ બ્રહ્નભટ્ટ
આ બંને મત્લામાં એક પ્રકારની ડંફાશ જોઈ શકાશે. એ સાચું છે કે ગુજરાતી ગઝલ પર જૂના નાટકોની બેતબાજીનો ભારે પ્રભાવ રહ્યો છે ને એમાં પ્રેક્ષકોને ઝડઝમકથી આંજવા આવી ડંફાશ મરાતી. અમૃત પીનારને મરણની દરકાર શું કામ હોય કે જે ડૂબીને તર્યા હોય તેણે ભવપાર શા માટે થવાનું? પણ સાંભળનારાઓ પણ જાણતા હતા કે મરણ વગર છૂટકો નથી. પણ આવી ડંફાશ ચાલી જતી હતી. બીજા મત્લામાં પણ ડંફાશ જ છે. દીવાનાને ક્યારે જમાનાએ માર્યો? અરે ભાઈ, દીવાના એ જ જમાના ને નથી માર્યો. બલકે, દીવાનાને જમાનાએ વારંવાર માર્યો છે. હીર-રાંઝા, રોમીઓ-જુલીએટ, શીરી-ફરહાદ કેટલા નામ જોઈએ છે? પણ અહિ વાત જુદી કહેવી છે કે આ ઉદાહરણો ગઝલકારનો મિજાજ દર્શાવે છે. ગઝલનો મિજાજ ને ગઝલકારોના મિજાજ બે જુદી બાબતો છે. ગઝલનો મિજાજ ગઝલકાર પર જ આધારિત છે, પણ તેને ગઝલકારના મિજાજ ઉપરાંત બીજું વિશેષ પણ અપેક્ષિત છે. ગઝલકાર વગર ગઝલનો મિજાજ અશક્ય છે,પણ જોવાનું એ રહે કે ગઝલકારના મિજાજને નામે ગઝલનો મિજાજ પ્રગટવાનો ન રહી જાય. જેમાં ગઝલકારનો ને ગઝલનો મિજાજ પ્રગટ થતા હોય એવા થોડાં ઉદાહરણો આ રહ્યાં:
ત્વચાથી એવો ઢંકાઈ ગયો છું,
હું ખુદ મારાથી સંતાઈ ગયો છું.-‘આદિલ’મન્સૂરી
શૂન્યતા વહેંચાઇ ગઈ બે ભાગમાં,
એક મારામાં અને એક આભમાં.-મનોજ ખંડેરિયા
હું સૂરજનો કોઈ આઠમો અશ્વ છું,
આ રસ્તો,આ ચાબૂક ને વાંસો ઉઘાડો.-નયન દેસાઈ
કહો દુશ્મનને દરિયા જેમ હું પાછો જરૂર આવીશ,
એ મારી ઓટ જોઇને કિનારે ઘર બના વે છે.-મરીઝ
ઊભા છીએ તખ્તાના પીળા પ્રકાશે,
પડી પણ ગયા તો અભિનય ગણાશે.-‘ગની’ દહીંવાલા
આજ હું માણસ,પછી હું શખ્શ ને મરહૂમ પણ,
મારા પડછાયા પળેપળ કેમ ટૂંકા થઇ ગયા? – ભગવતીકુમાર શર્મા
ચીંધ આખું વિશ્વ તું એને રમેશ,
જેને સરનામુ ર.પા.નું જોઈએ.-રમેશ પારેખ
બીજા કાવ્ય પ્રકારો કરતા ગઝલમાં શું વિશેષ છે તે ઉપરના શે’ર જોઈશું તો સમજાશે. સોનેટની છેલ્લી બે પંક્તિઓની ચમત્કૃતિને બાદ કરતા બીજા કોઈ કાવ્યપ્રકારમાં ચોટ, ચમત્કૃતિ કે અણધાર્યો ભાવપલટો અનિવાર્ય નથી જ્યારે ગઝલમાં તે અનિવાર્ય છે. અહિ જોઈ શકાશે કે રમેશ પારેખે પોતાનું સરનામું શેરી,પરુ કે નગરમાં ન આપ્યું, પણ તેણે સાવ અણધારીરીતે પોતાનું સરનામું પૂછનારને આખું જગત ચીંધ્યું ને એ રીતે પોતાની કવિ તરીકેની વૈશ્વિકતા સિદ્ધ કરી. કોઈ પણ સારો ગઝલકાર ભાવકને પરિચિત સંદર્ભ લઈને શે’રમાં વાત માંડે છે ને પછી સાવ અણધારી વાતથી તે શે’ર પૂરો કરે છે. એ બધું એટલી ઝડપથી પૂરું થતું હોય છે કે ભાવક કંઈ વિચારે એ પહેલા તે સીધો પરિણામ પર મૂકાય છે.
શૂન્યતાના ભાગ પડે? ન પડે,પણ મનોજ ખંડેરિયા પાડે છે, કેવી રીતે? તો કે એક ભાગ આભમાં ગયો ને બીજો કવિના હૈયે રહી ગયો. કહેવું એ છે કે ગઝલકાર આકાશ જેટલી એકલતા ભોગવી રહ્યો છે ને તે સૂચવવા તેણે અસીમ આકાશ પર નજર દોડાવી. આપણે સૂર્યનું ચિત્ર સાત ઘોડાના રથવાળું જોયું છે તેમાં ધસમસતા સાત ઘોડા જે રીતે દોડે છે એ ભાગ્ય ઘોડાગાડીના ઘોડાને મળ્યું છે? એ તો ચાબૂક ખાઈ ખાઈને જ મરિયલ મરિયલ દોડે છે. જાણે આઠમો અશ્વ છૂટો પડ્યો ને ઘોડા ગાડીએ જોતરાઈ ગયો. નયન દેસાઈ એ ઘોડાનું વાસ્તવિક ચિત્ર આપીને ચોટ સાધી.
શે’રમાં ચમત્કૃતિ સહજ સાધ્ય નથી. ગઝલકારનું જીવનનું ઊંડાણ, તેના અનુભવો ને તેને વ્યક્ત કરનારી લક્ષ્યવેધીભાષા ને શબ્દોનું વિધવિધ અર્થસૂચક ભંડોળ ચમત્કૃતિની શક્યતાઓ વધારી દે છે. આ બધા પરથી ગઝલના મિજાજ વિષે કોઈ સ્પષ્ટ વ્યાખ્યા આપવાનું બહુ જ મુશ્કેલ બને, છતાં કૈક પ્રયત્ન આવો હોઈ શકે, ‘ગઝલનો મિજાજ એટલે ગઝલમાં અંતર્નિહિત એવું પ્રાણતત્ત્વ જે ગઝલકારના તાદાત્મ્યપૂર્ણ તાટસ્થ્યને લીધે નાવીન્યપૂર્ણ, વિશિષ્ટ અભિવ્યક્તિ સાધે ને વીજ ઝબકાર જેવી ચમત્કૃતિ તરફ લઇ જનારી ભૂમિકા બને.’ આ વ્યાખ્યા સુધારણા માટે ખુલ્લી છે.
એટલું સમજાય છે કે ગઝલમાં ચમત્કૃતિ સિદ્ધ કરવી સરળ નથી. ક્યારેક ઓછી જાણકારી, ઓછી શાબ્દિક ક્ષમતા, ગેરસમજ અર્થહીન તર્ક … વગેરે શે’રને હાનિ પણ પહોંચાડે છે. થોડાં ઉદાહરણો જોઈએ.
સાહિલ ઘડી કે બે ઘડી આ ખોળિયું હવે,
મક્તાનો શે’ર બોલે છે શરીરની ગઝલ.
ગઝલકાર પોતાનું નામ સાંકળે એ શે’ર મક્તા છે, જે પૂરી ગઝલ નથી, પણ ગઝલનો અંશ છે. એ મક્તા, ગઝલ બોલે તો તેનો શો અર્થ કરવો?
ન વિશ્વાસ કર શબ્દનો કોઈ કાળે,
હજી ઝેર છે સાપની કાંચળીમાં.
હવે ગઝલકાર મિત્રને કેમ સમજાવું કે ઝેર સાપમાં હોય, તેની કાંચળીમાં નહિ. પણ ઓછી જાણકારી ઘણી વખત આવી ગરબડો કરાવે છે. ‘બેફામ’નો એક શેર જોઈએ:
છૂટ્યો જ્યાં શ્વાસ ત્યાં સંબંધ સૌ છૂટી ગયા ‘બેફામ,’
હવા પણ કોઈએ ન આવવા દીધી કફનમાંથી.
અહિ શાયરને એ પૂછવાનું થાય કે સાહેબ, કફનમાંથી કોઈએ હવા આવવા દીધી હોત તો મરનાર બેઠો થઇ ગયો હોત? તો આ દાઝ દુનિયા પર કાઢવાનું કોઈ કારણ ખરું?
આટલા પરથી સમજી શકાશે કે એક નખશિખ ઉત્તમ ગઝલ ખૂબ જ મુશ્કેલ બાબત છે ને અન્ય કાવ્ય પ્રકારો કરતા તે કોઈ રીતે ઉતરતી નથી. આ બધું છતાં ગુજરાતી ગઝલે બીજી કોઈ પણ ભાષા કરતાં વધારે કાઠું કાઢ્યું છે ને એવા ઉત્તમ ગઝલકારો ગુજરાતીમાં આપ્યા છે કે ઉન્નત મસ્તકે ટકી શકે તેમ છે. એ આનંદદાયક ઘટનાની નોંધ લેવી જ ઘટે.
ગઝલ વિશે નો ઉત્તમ લેખ
ગઝલ વિષયક આલેખન ખૂબ ખૂબ સરસ છે.
અભિનંદન.
લતાબેન કુશળ હશો/છું. સૌ પ્રથમ આપને તથા આ વેબસાઈટ સાથે સંકળાયેલા સૌને દિપાવલી નિમિત્તે શુભેચ્છાઓ. હું રોજ વાંચી શકતો નથી પણ જયારે સમય મળે ત્યારે અવશ્ય વાંચુ છું. આપ ખરેખર ષ અભિનંદનના અધિકારી છો. મુરબ્બી રવિન્દ્ર પારેખના તમામ લેખ ખૂબ જ અભ્યાસપ્રદ છે. એ સિવાય જન્મદિન વિશેષ પણ સરસ ચાલે છે. ફરીથી અભિનંદન પાઠવુ છું.
આદરણીય રવિન્દ્ર પારેખ સાહેબે ખૂબ જ સરસ રીતે દાખલાઓ આપી ને ખરી, સાચી ગઝલ કેવી હોય એ સમજાવ્યું છે.