ડો. પુરુષોત્તમ મેવાડા ‘સાજ’ ~ છંછેડવાનું ઓ પ્રભુ & તમારી યાદમાં* Purushottam Mevada
બંધ કર
છંછેડવાનું ઓ પ્રભુ તું બંધ કર,
લોકો હસે છે તુંય શાને વ્યંગ કર?
આપ્યા પછી આ જિંદગી, સાચવ મને,
તારો જ છું, સ્વિકાર કર, ના બંડ કર.
મારા જીવનની વાત તો જાહેર છે,
છૂપો રહીને ના કશો આતંક કર.
શ્રધ્ધા મને તારા ઘણા આધારની,
સંપૂર્ણ છું, તોડી મને ના અંશ કર.
જેવો હતો એવો જ હું આજેય છું,
મારી મચેડીને હવે ના સંત કર.
જીવી જવાની હામ તેં આપી હતી.
કારણ વિના છોડી મને ના દંડ કર.
ચરણે ધરું છું જિંદગીના ‘સાજ’ને,
છેડી મને સાજિંદગી આરંભ કર.
~ ‘સાજ‘ મેવાડા
કવિ લખે છે, આ એમની પ્રિય ગઝલ છે. હું દૃઢપણે ભગવદગીતાના ‘કર્મના સિદ્ધાંત’માં માનું છું. એટલે મને આમ ઈશ્વરને દોષી ગણાવતી વાતો પસંદ નથી. પણ એ વાત સાચી છે કે પગ નીચે રેલો આવે તો જ ખબર પડે! જીવન સુખેથી નિરાંતવા અનુભવોમાંથી પસાર થતું રહ્યું હોય અને આધ્યાત્મિકતાની વાત કરવી, બીજી બાજુ દુખની વણઝારમાંથી પસાર થયા પછીની આધ્યાત્મિકતા આ બંન્ને જુદી હોય શકે કેમ કે આખર એક માણસ છે!
ગઝલ
તમારી યાદમાં જાગી ઘણી મેં જાત બાળી છે,
સવારે ઊંઘ આવે તો, કહું છું રાત પાળી છે.
કહે છે લોક, માનોતો હવેના પહેરશો એને,
થવાના અપશુકન તમને, પટોળે ભાત કાળી છે.
રમતમાં ને રમતમાં, જિંદગી વીતી ગઈ મારી,
મને દોડાવનારાએ, રમાડી સાત તાળી છે.
નથી એ પ્રેમ કરતાં, ને કદી ના પણ નથી કે’તાં,
છતાં મેં એમની આંખે, ઘણી સોગાત ભાળી છે,
સુગંધી રંગ ફૂલોનો, નગરમાં ખાસ છે મેળો,
સભામાં કંટકો મહેમાન પણ, બાકાત માળી છે.
પછાડ્યો ‘સાજ’ સમજીને, છતાં અકબંધ છું આજે,
ખબર છે એટલી, મારી પ્રભુએ ઘાત ટાળી છે.
~ ‘સાજ’ મેવાડા
ઈશ્વર પ્રત્યેની આસ્થા એમ ઝટ નીકળી શકે જ નહીં !!
આમતો હું જગતનિયંતા ઈશ્વરમાં, કોઈ પણ સ્વરૂપે હોય, ઊંડી આસ્થા ધરાવું છું. મારા ‘વેણુનાદ’ના ગીતો દ્વારકાધીશ કૃષ્ણના અનુસંધાનમાં એની જ ઉપજ છે. આપની વાત સાચી છે કે જ્યારે માનવી દુઃખમાં હોય ત્યારે એ શ્રધ્ધા જરા ડગી જાય, અને કવિ એને અભિવ્યક્ત કરે. આપનો ખૂબ આભાર લતાજી, ખૂબ આનંદ થયો.
મારો પણ આનંદ મેવાડાજી