અંજુમ ઉજિયાનવી ~ ચો-તરફ તડકો બની

ફેલાય છે

ચો-તરફ તડકો બની ફેલાય છે;
એક ટહુકો છે, બધે સંભળાય છે.

આમ તો, આકાર કે ચહેરો નથી,
તોય ઝાઝાં નામથી પંકાય છે.

વાયરો વાસંતી, ચાલો માણીએ,
જામથી જાણે નશો છલકાય છે.

વાદળાં વસે છે મુશળધારથી,
એક સરખા ક્યાં કોઈ ભીંજાય છે!

બુંદની હસ્તીને અવલોકી જુઓ,
સામટા સો-સો પ્રલય વમળાય છે.

સાત સાગરથી તરસ બૂઝશે નહીં,
નીર ખારાં ક્યાં કદી પીવાય છે?

રાત આખી આભને જોતાં રહો,
તારલાથી ક્યાં નજર અંજાય છે?

આંગણું છોડીને બા’રે તો નીકળ,
ચોકમાં ‘અંજુમ’ કશું વેચાય છે!

~ અંજુમ ઉજિયાનવી 25.10.1945

કાવ્યસંગ્રહ ‘અંતરના ઉંબરે’

કવિના જન્મદિને વંદના

1 thought on “અંજુમ ઉજિયાનવી ~ ચો-તરફ તડકો બની”

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *