સુરેશ જોશી ~ અંધકાર – સૂર્ય અને ચંદ્ર * Suresh Joshi

અંધકાર

આજે હું તારા અંધકાર સાથે બોલીશ.
તારા હોઠની કૂણી કૂંપળ વચ્ચેનો
આછો કૂણો અંધકાર.
તારા કેશકલાપનો કુટિલ સંદિગ્ધ અંધકાર.
તારા ચિબુક પરના તલમાં
અંધકારનું પૂર્ણવિરામ.
તારી શિરાઓના અરણ્યમાં લપાયેલા
અંધકારને
હું કામોન્મત્ત શર્દૂલની ગર્જનાથી પડકારીશ;
તારા હૃદયના અવાવરુ કૃપણ ઊંડાણમાં વસતા
જરઠ અંધકારને
હું ઘુવડની આંખમાં મુક્ત કરી દઈશ;
તારી આંખમાં થીજી ગયેલા અંધકારને
હું મારા મૌનના ચકમક જોડે ઘસીને
સળગાવી દઈશ;
વૃક્ષની શાખામાં ઓતપ્રોત અંધકારનો અન્વય
તારાં ચરણોને શીખવીશ.
આજે હું અંધકાર થઈને તને ભેદીશ.

~ સુરેશ જોશી

સૂર્ય અને ચંદ્ર

સૂર્ય

થાકી ગયો મધ્યાહ્નનો સૂરજ
તેજની ડંફાસના બોજા થકી;
જૂઈની કળીને ખભે
ટેકવી માથું શિશુ શો ઢળી પડ્યો !

ચંદ્ર

અવાવરુ વાવતણે ઊંડાણે
આ લીલની ઝૂલભરેલ શાન્તિ;
એ ઓઢી પોઢ્યો શિશુ શો અહીં શશી,
સ્વપ્નો ગૂંથેં રેશમી ભાત રે કશી !

~ સુરેશ જોશી

કવિની પૂણ્યતિથીએ સ્મૃતિવંદના

3 Responses

  1. વાહ જી વાહ…

    મજાનો કાવ્યગુચ્છ

  2. કવિ શ્રી ને સ્મ્રુતિવંદન

  3. 'સાજ' મેવાડા says:

    કવિ ચેતનાને વંદન સાથે, એમની ગદ્ય-પદ્ય નો લઇ કવિતા ને કવિતા બનાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: