KS : શૈલેષ ટેવાણી ~ માંગુ નહીં * Shailesh Tevani

માંગું નહિ, વિલાપું નહિ,
મને કદીયે સ્થાપું નહિ.

મળવાની ક્યાં જલ્દી છે?
શપથ કોઈ ઉથાપું નહિ.

સદીઓનો આ પંથ પડ્યો છે,
હાંફી હાંફી કાપું નહિ.

દાનત મારી સાફ-સુથરી
નામ બીજું કંઈ જાપું નહિ.

ઈશ્વર મારા તમે સગાં છો,
ભીતર રહો, હું વ્યાપું નહિ.

~ શૈલેશ ટેવાણી

રાહી ચલ અકેલા ~ દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ 452 > 5.9.2023  

પદ કે હોદ્દો, મન કે મોભો ભૂલી જઈને અંદર પડેલા આગ્રહો ખોંખારો ખાઈને નીકળે છે અને આવો શેર રચાય છે. ક્યારેક વ્યવહાર જગતમાં કરવા પડેલા સમાધાનો પણ આમ અચાનક કશુંક પ્રગટાવી દે છે. વિચારોના મૂળ શોધવા બેસીએ તો જડે ખરા અને ન પણ જડે. એ આ જ જન્મની વાત હોવાનું જરૂરી નથી. ત્રણ આગ્રહો પ્રથમ શેરમાં વણાયેલા છે. ‘માંગુ નહીં’ – મને જે મળે છે કે મળવાનું છે એ ભલે અનાયાસે થતું. એના માટે મારો કોઈ જ આગ્રહ ન હોય. ‘વિલાપું નહીં’ – કશુંક મેળવવા માટે પાછળ પડવું, આજીજીઓ કરવી એ તો નિમ્ન કક્ષાનું વર્તન થયું. એક સ્વમાની મનુષ્ય કદીયે પસંદ કરે નહીં. અને ‘મને કદીયે સ્થાપું નહીં’ – સામે ચાલીને મારી મહત્તા કરું કે કરાવડાવું એ પણ આમ તો માંગવાના કે વિલાપવાના સ્વરૂપનું જ કાર્ય થયું.

માણસને ઓળખવાના સાધનો અનેક છે. ભૌતિક રીતે જોઈએ તો એક ફૂટપટ્ટી એટલે એનો પહેરવેશ, રહેઠાણ, સંપત્તિ, સંતાનો જેવું ઘણું બધું. બીજી માપણી એનું શિક્ષણ, ડિગ્રીઓ, પદ, સ્ટેટસ, હોદ્દો એવું બધું. અને ત્રીજું, એણે સાધેલી પ્રગતિ, એની વગ, એનો પ્રભાવ. પણ શું આ બધું માનવીની ઓળખ આપી શકે? ના. એ મનુષ્ય તરીકે કેવો છે, એના સંપર્કમાં આવનાર વ્યક્તિ એની સાથે કેટલી હળવાશમાં રહી શકે છે, કમ્ફર્ટેબલ અનુભવ કરી શકે છે, આ સાચી અને આખરી ફૂટપટ્ટી.

આપણને અનેક માનવીઓના એવા અનુભવ થયા હોય કે એને મળ્યા પહેલાં આપણે એનાથી ઘણા પ્રભાવિત હોઈએ પણ મળ્યા પછી આપણો અહોભાવ ઓસરી જાય કેમ કે એક સારા મનુષ્ય તરીકે એ જીવતા ન હોય અને થોડાક પરિચયમાં જ આ વાત બહાર આવ્યા વગર ન રહે. ત્યારે નિરાશા થાય છે. અંદર શું સત્ત્વ ભર્યું છે એના પર માનવીની વર્તણુંકનો આધાર રહે છે. અંદરના સત્ત્વ-તત્ત્વની ભરચકતા જેણે અનુભવી હોય એ જ બાહ્ય ચમકદમકની પોકળતા સમજી શકે. કમ સે કમ આ સત્ત્વની જાણકારી અને ત્યાં પહોંચવાની તડપ હોય તોય એ રસ્તે ધીમે ધીમે કદમ પડતાં જાય. સુંદરમે એટલે જ ગાયું છે, ‘હું માનવી માનવ થાઉં તો ઘણું’   

આમ જુઓ તો આ ગઝલના બધા જ શેર આ રસ્તે મંડાયા છે. નથી કશું સ્થાપવું, નથી કશું ઉથાપવું. કોઈ જલ્દી નથી અને કદીય હાંફવું નથી. એક સ્થિર ચાલે યાત્રા કરતાં રહેવું છે. આંખ સામે મંઝિલ રહે એટલું બસ છે. કેમ કે ત્યાં પહોંચાડનારો અંતે ઈશ્વર જ છે. દોડવાથી કે રેસ લગાવવાથી કશે પહોંચાતું નથી એ નાયક સારી રીતે જાણે છે. એને તો બસ, મન સાફ રાખવું છે અને ઈશ્વરને સાક્ષી રાખવો છે. એટલે જ છેલ્લી વાત ખૂબ સરસ છે. ‘ભીતર રહો, હું વ્યાપું નહિ’ પોતે જ બધે વ્યાપી જવાના સળગતા ઈરાદા ધરાવનારા જીવોથી આ જગત ભર્યું છે. ત્યારે અહીં નાયક એનો સ્પષ્ટ ઇનકાર કરે છે. એને વ્યાપવું નથી વહેવું છે, આ કલ્યાણ યાત્રાના પથ પર… ભીતર કોળવા દેવા છે એ ભાવો જે એને ઈશ્વરીય ભવ્યતા તરફ લઈ જાય.

અને યાદ કરીએ ઉમાશંકર જોશીને

‘મારી ન્યૂનતા ના નડી તને, તારી પૂર્ણતા ગૈ અડી મને.’

7 Responses

  1. Varij Luhar says:

    વાહ.. ખૂબ સરસ ગઝલ અને આસ્વાદ

  2. આસ્વાદ સરસ પણ ગઝલ પ્રમાણમાં નબળી…. બે’ક જગ્યાએ છંદ પણ શિથિલ થયો જણાય છે.

    ઈશ્વર મારા તમે સગાં છો – આ પંક્તિમાં પદઅન્વયવ્યુત્ક્રમ ખટકે છે. ‘તમે સગા છો મારા ઈશ્વર’ એમ સહજ વાક્ય પણ લખી શકાયું હોત.

  3. હર્ષદ દવે says:

    ‘મધુરિમા’ પૂર્તિમાં આસ્વાદ વાંચ્યો. સરસ વિસ્તૃત આસ્વાદ. કવિશ્રી અને આપને અભિનંદન.

  4. ઉમેશ જોષી says:

    વાહ… ગઝલ
    અને…. આસ્વાદ
    ખૂબ સરસ છે.્
    અભિનંદન ્

  5. Kavyavishva says:

    આભાર વારિજભાઈ, ઉમેશભાઈ, વિવેકભાઈ, હર્ષદભાઈ

  6. 'સાજ' મેવાડા says:

    ખૂબ જ સરસ અભિવ્યક્તિ ગઝલ, આપનો આસ્વાદ પણ ખૂબ સરસ. આનંદ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: