રમેશ પારેખ અને દાસી જીવણ : સ્વર : Amar Bhatt * Dasi Jivan * Ramesh Parekh

મારા રે ગુરુએ ~ રમેશ પારેખ   

મારા રે ગુરુએ મારો ડૂમો દળી નાખ્યો
કડવો અજંપો મારો કરુણાથી ચાખ્યો…….

લઘરવઘર મારી લાગણી પંપાળી
સતની કાંડીથી સંધી શંકા નાખી બાળી
આસ્થાને માંજી માંજી કીધી ઉજમાળી
મારા અંધાપામાં રૂડી ઉગાડી રે આંખ્યો

મંદવાડ મારા માંહ્યલાનો હરી લીધો
લાહ્યના લતાડ કેરો લોપ કરી દીધો
સુધની સાહેબી સોંપી ન્યાલ ન્યાલ કીધો
શૂનનો શ્રીકાર મારી બાંહ્ય સાખી દાખ્યો.

~ રમેશ પારેખ

સતગુરુએ મુંને ચોરી શીખવાડી – દાસી જીવણ

સતગુરુએ મુંને ચોરી શીખવાડી
ને જ્ઞાનગણેશિયો ઘડાયો રે

પવનરૂપી ઘોડો પલાણ્યો ઊલટી ચાલ ચલાયો રે
ગંગા-જમનાના ઘાટ ઉલંઘી, જઈને અલખ ઘરે ધાયો રે

ધમણ ધમુંકે તિયાં વીજું ચમકે, અનહદ નોબત વાગે રે
ઠારોઠાર ત્યાં જ્યોતું જલત હૈ, ચેતન ચોંકીમાંઈ જાગે રે

સાંકડી શેરી ત્યાં વાટું વસમી, માલમીએ મુંને મૂક્યો રે,
નામની તો નિસરણી કીધી, જઈને ધણીને મો’લે ઢૂકયો રે

શીલ સંતોષનાં ખાતર કીધાં, પ્રેમે પેસારો કીધો રે
પેસતાંને પારસમણિ લાધી માલ મુગતિ લીધો રે

આ રે વેળાએ હું ઘણું જ ખાટયો, માલ પૂરણ પાયો રે,
દાસી જીવણ સતભીમને ચરણે, મારો ફેરો ફાવ્યો રે.

~ દાસી જીવણ

કાવ્ય : દાસી જીવણ અને રમેશ પારેખ  * સ્વરકાર અને સ્વર : અમર ભટ્ટ

2 Responses

  1. વાહ… વાહ…

    દાસી જીવણનું પદ તો જાણીતું હતું પણ ર.પાની કૃતિ પહેલીવાર માણવા પામ્યો… બંને રચનાઓ નખશિખ સુંદર…

    આનંદ આનંદ

  2. 'સાજ' મેવાડા says:

    આધ્યાત્મિક વાતો અને ત્યાં મારો નવો ટૂંકો પડે, છતાં આ બંને કાવ્ય/ગીતો ખૂબ જ ગમ્યાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: