રવીન્દ્ર પારેખ ~ પરણવું એટલે  

પરણવું એટલે

વધુમાં વધૂ અમારે તો વધુ જ સિદ્ધ થવાનું હતું

તે થયાં

પણ તમારું એવું છે કે

વધૂમાં બધું તો તમને દેખાતું નથી

એટલે વધૂ+બધુંની શોધ તમારી અટકે શાની ?

આ અમે બળીએ છીએ છતાં કેટલાય બાપ

તમારે માટે સપ્તપદી નિહાળી રહ્યા છે.

બોજ તો હતા જ અમે

પિતાને અને પતિનેય !

પણ એમને ખબર જ નહીં પડતી હોય કે

એમણે ઉતારેલો બોજ કેટલો વહેલો

ચિતા પર ચડી જાય છે તે !!

પણ એમાં વાંક એમનો નથી

રાખ થનારનો છે.

વાંક પીલનારનો નથી, શેરડીનો છે.

શેરડી લાઠી થાય તો જ બદલાશે એ વ્યાખ્યા કે

પરણવું એટલે કમસે કમ મરણ-વું તો નહીં જ !!

~ રવીન્દ્ર પારેખ

વધુ અને વધૂના અર્થભેદનો ઉપયોગ કરી કલાત્મક રીતે કવિ આ અછાંદસ કાવ્યની શરૂઆત કરે છે. દીકરી તરીકે જન્મીને આખરે અમારે ક્યાં કશું સિદ્ધ કરવાનું હતું, સિવાય કે વધૂ !! તમે પરણાવ્યાં પરણી ગયાં !! આ એક જ અમારું જીવન કાર્ય હતું. પણ એટલેથી તમને સંતોષ નથી. પત્ની તરીકેની ફરજો નિભાવ્યા પછીયે તમારી આગળ શોધ ચાલુ જ છે. તમારે જે કંઇ જોઇએ છે એ બધું તમને અમારામાં મળતું નથી… એટલે જ કદાચ અમારે અત્યાચારો સહેવા પડે છે. કવિ આગળ કહે છે, જુઓને આ અમે બળી મરીએ છીએ તોયે કેટલાય પિતાઓ પોતાની પુત્રી માટે સપ્તપદી નિહાળી રહ્યા છે. એમની આંખ નથી ખુલતી કે કોઇ દિવસ એમની દીકરીનો પણ આવો વારો આવી શકે…..

દીકરી હોય કે સ્ત્રી, એ પહેલાં પિતાને માટે અને પછી પતિને માટે કોઇને કોઇ રીતે બોજ બની રહે છે અને બોજથી હંમેશા છુટકારો જ મેળવવાનો હોય !! પિતા પરણાવીને બોજ હળવો કરે છે પણ તેને ખ્યાલ નથી કે તેણે ઉતારેલો બોજ કેટલો જલ્દી ચિતા પર ચડી જાય છે !!

વાત હવે જામે છે. કવિને આમાં કોનો વાંક દેખાય છે ? અહીં જરીક હટકે વાત છે. સ્રી લાચાર શા માટે છે ? એ શા માટે કોઇની ગુલામ છે ? શા માટે એ પિયર કે સાસરે બધે જ પરાધીનતા અનુભવે છે ? કવિને આમાં શોષણ કરનારનો નહીં, શોષિત થનારનો વાંક દેખાય છે. સળગાવનારનો નહીં, રાખ થનારનો વાંક દેખાય છે. એ કહે છે, શેરડી લાઠી બની સામે મંડાશે તો જ એને ચૂસીને છોતરાં કરવા ઇચ્છનાર સમાજ બદલાશે. તો જ સમાજ સમજશે કે પરણવું એટલે કમસે કમ પરણવું તો નહીં જ…

શોષણની વાત વિદ્રોહમાં પલટાય છે. કવિતા અચાનક સૂર બદલે છે અને ભાવક પણ એ જ ક્ષણે એની સાથે સંમત થઇ જાય છે. એ આ કાવ્યની, એમાં વપરાયેલા શબ્દોની અને એની રજૂઆતની ક્ષમતા છે. આ રજૂઆત ખૂબ માર્મિક છે અને સમાજમાં બદલાવ આવા કાવ્યોથી જ આવે !!

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ 87 > 21 મે 2013 (ટૂંકાવીને)

5 Responses

  1. Minal Oza says:

    કાવ્ય શોષિત કે શોષકની માત્ર વાત લઈને નથી આવ્યું, ઉભય પક્ષે પરિવર્તનની મશાલ બનવાની વાત લઈને આવે છે. લતાબહેને કાવ્યના અર્થને ઉઘાડી આપ્યો છે. ધન્યવાદ.

  2. સરસ કાવ્ય નો ખુબજ માણવા લાયક આસ્વાદ ખુબ અભિનંદન

  3. Kavyavishva says:

    છેલ્લી લાઈનમાં એક શબ્દમાં ભૂલ રહી ગઈ હતી. કવિની સૂચનાથી સુધારી છે.

    રવીન્દ્રભાઈનો આભાર.

    લતા હિરાણી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: