અનિલ જોશી ~ કેમ સખી ચીંધવો પવનને

કેમ સખી ચીંધવો પવનને રે
હું તો ખાલી શકુંતલાની આંગળી

ઝંઝાના સૂસવાટા પાંખમાં ભરીને
ઊડું આખ્ખું ગગન મારી ઇચ્છા
વહેલી પરોઢના ઝાંખા ઉઘાડમાં
ખરતા પરભાતિયાનાં પીંછાં
ઉરમાં તે માય નહીં ઉડતો ઉમંગ
મને આવીને કોઇ ગયું સાંભળી
કેમ સખી ચીંધવો પવનને રે
હું તો ખાલી શકુંતલાની આંગળી

ઝૂકેલી ડાળખીનો લીલો વળાંક લઈ,
એવું તો મંન ભરી ગાતો, કંઈ એવું તો વંન ભરી ગાતો…
જંગલમાં ધોધમાર વરસે ગુલમ્હોર,
ક્યાંક કાગડો થઇ ન જાય રાતો!
આજ મારી ફૂંકમાં એવો ઉમંગ સખી,
સૂર થઇ ઊડી જાય વાંસળી
કેમ સખી ચીંધવો પવનને રે
હું તો ખાલી શકુંતલાની આંગળી

~ અનિલ જોશી

5 thoughts on “અનિલ જોશી ~ કેમ સખી ચીંધવો પવનને”

  1. ઉમેશ જોષી

    વાહ સરસ..
    કવિ શ્રી ને જન્મ દિવસની સુકામનાઓ.

  2. લાંબી પંક્તિ એ અ.જો. ના ગીતની વિશેષતા છે.

  3. નીપા ભટ્ટ

    હું માનું છું, મૂળ ગીતમાં “ઝૂકેલી ડાળખીનો લીલો વળાંક લઈ, એવું તો ‘મંન’ ભરી ગાતો, કંઈ એવું તો ‘વંન’ ભરી ગાતો…”, એવું છે…

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *