અનિલ જોશીની કાવ્યયાત્રા * Anil Joshi

“અનિલની કવિતામાં જો ધ્યાનપાત્ર કોઈ વસ્તુ હોય તો તે લય છે અને એ લય કેવળ શબ્દલય નથી ભાવલય છે. શબ્દલય અને ભાવલયના આ બે કાંઠાની વચ્ચે અનિલની કવિતા નદીની જેમ એના વહેણ વળાંક અને નૈસર્ગિક ગતિ સાથે વહે છે.” ~ સુરેશ દલાલ

અનિલ જોશીની કાવ્યસૃષ્ટિમાં સ્વરૂપવૈવિધ્ય તેમજ વિષયવૈવિધ્ય જોવા મળે છે. સ્વરૂપમાં તેમણે મુખ્યત્વે ગીત ઉપરાંત ગઝલ, અછાંદસ અને ગદ્યરચનાઓનું સર્જન કર્યું છે. પ્રકૃતિ, પ્રણય, નગર-મહાનગરમાં રહેતા મનુષ્યની અવદશા જેવાં વિષયો તેમના કાવ્યોમાં આલેખાયા છે તો વ્યક્તિલક્ષી કાવ્યો, કાવ્યસર્જનલક્ષી કાવ્યો અને ચિંતનાત્મક કાવ્યો પણ તેમણે આપ્યાં છે.

ગીત અનિલ જોશીનું પ્રિય સ્વરૂપ છે. તેમના પહેલાં બે કાવ્યસંગ્રહો ‘કદાચ’ અને બરફનાં પંખી’માં જ લગભગ 75 ગીતો છે. ગુજરાતી ગીતકવિતામાં સૌ પ્રથમ આધુનિકતાનો સ્પર્શ અનિલ જોશીની રચનાઓમાં જોવા મળે છે. ગીતમાં એમણે નવતર અને સાંપ્રત જીવનસંદર્ભોને નવા ભાવસાહચર્યોથી રજૂ કર્યા. ઉપરાંત ગીતોને રૂઢ અને ચુસ્ત બંધથી જુદી અભિવ્યક્તિ કરીને નવી તરેહો નિપજાવી છે. આધુનિકતાના સ્પર્શવાળા તેમનાં નોંધપાત્ર ગીતોમાં બરફનાં પંખી’, ‘કીડીએ ખોંખારો ખાધો’, ‘પાનખરની બીક ના બતાવો’, ‘કન્યાવિદાય’, “બાકસ ખોખું”, “છાંટો’, ફોતરું’, ‘ખાલી શકુંતલાની આંગળી’, ‘સવાર’, ‘સાંજ’, ‘તડકો’, ‘પવન’ વગેરેનો સમાવેશ થાય છે. એમનાં ગીતોમાં મુખ્યત્વે વ્યંગ અને વ્યથા જોવા મળે છે. ‘કન્યાવિદાયમાં કવિએ કન્યાના વિદાયના સાદા ગતિશીલ ચિત્રથી હૃદયભેદક અસર ઉપજાવી છે.

‘સમી સાંજનો ઢોલ ઢબૂકતો જાન ઊઘલતી મહાલે. કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે.’

અનિલ જોશીની શક્તિ પ્રલંબ લયવાળાં ગીતોમાં ખાસ જોવા મળે છે. માત્રામેળ છંદના આવર્તનમૂલક સંધિઓવાળાં ગીતોમાં તેમણે દોરેલાં ચિત્રો આકર્ષક હોય છે. કવિએ તડકાની કોમળતા અને ધીમેધીમે વિસ્તરતા જતા તડકાનાં દૃશ્યોને ઝડપ્યાં છે તે જોઈએ.

“ઝાકળભીનાં ઝાડ કનેથી વળાંક લઈને સવારનો નીકળતો તડકો …

સવારને ચિત્રિત કરતું આ ગીત કે પછી કટાવ છંદમાં સાંજનું સચોટ દૃશ્ય ઉપસાવતું ‘સાંજ’ જેમાં કવિએ પ્રકૃતિના સાંજ જેવા અમૂર્ત તત્ત્વને જીવંત કરી બતાવ્યુ છે.

‘પેલ્લા વરસાદનો છાંટો મુંને વાગીયોને, હું પાટો બાંધવાને હાલી રે…’

આ પ્રણયગીતમાં નાયિકાની પ્રેમાનુભૂતિને સીધા અને સરળ શબ્દોમાં વ્યક્ત કરી છે. આ ઉપરાંત કવિએ ‘દરિયાનાં ગીત નથી ગાવાં’, ‘પ્રતીક્ષા’, ‘છાંટો’, ‘કાચો કુંવારો એક છોકરો’, ‘મોરલો અધૂરો રહ્યો’, ‘રિસાઈ જતી છોકરીનું ગીત’ જેવી રચનાઓમાં પ્રણયના ભાવનું આલેખન કર્યું છે.

‘ચણોઠીઓના ઢગલે દાઝ્યા, કૈક કવિના કિત્તાજી, શબ્દોમાં હું એમ પ્રવેશ્યો આગમાં સીતાજી’

ઉપર મુજબની કેટલીક પંક્તિમાં લય જાળવીને લંબાવેલી પંક્તિઓમાં એક સળંગ ક્રિયા એના વળાંકો સાથે મૂર્ત કરી છે. અહીં લય તેમ જ ભાવ અને ભાષામાં પણ નવીનતાની તાજપ દેખાય છે. કવિએ શબ્દ, પ્રતીક, પ્રતિરૂપ આદિ કાવ્યાંગોને વિશિષ્ટ અધ્યાસ અને સંદર્ભોમાં પ્રયોજી વ્યંજના પ્રગટ કરી છે.

કવિએ ગીતો ઉપરાંત ગઝલ, અછાંદસ રચનાઓ અને ગદ્યકાવ્યો આપ્યાં છે. જેમાં પ્રાચીન કાવ્યપુરાણ અને લોકકવિતા તથા  લોકકથાઓનાં પાત્રોને અને વાતાવરણને કવિ દ્વારા આગવી માવજત મળે છે. એમની અછાંદસ કવિતાઓમાં નાગરી ચેતનાનો સંસ્પર્શ અનુભવાય છે તો વ્યંગ, કાકુનો સૂર પણ પ્રગટ્યો છે. કવિએ આદિલ મન્સુરી જેવા આધુનિક કવિને કેન્દ્રમાં રાખીને ‘અધકચરા માણસનું ગીત’; મણિલાલ દેસાઈને કેન્દ્રમાં રાખીને, ‘વાલમનો હરિયાળો કોલ’; જે. પી. જેવી વિભૂતિને કેન્દ્રમાં રાખીને ‘જે. પી.ની પંચોતેરમી વર્ષગાંઠ’ જેવી રચના કરી છે. જ્યારે ‘અનારકલીનું ડાઇંગ ડેક્લેરેશન’માં અનારકલીનું ઐતિહાસિક પાત્ર કેન્દ્રમાં છે. તો ‘કવિ છગનપુરાણ’ અને કવિ છગન શાકમારિકેટમાં’માં કવિની કાલ્પનિક રચનાઓ છે. ‘દડો’માં મોહન અને ભરવાડના છોકરાઓની, કૃષ્ણની યમુના જલપ્રવેશને કાલીયમર્દનની કથાના રૂપમાં અમદાવાદ કોમી રક્તપાતની ઘટના ઢાળી છે. ‘ગૅસ ચેમ્બર’માં માણસની પતિત અવસ્થાને, જીવનના નિર્જીવપણાને ને નિરર્થકતાને કાવ્યાત્મક ઉદ્ગાર આપવાનો પ્રયત્ન છે. તેમની રચનાઓમાં અનુભવાતું વિષય-ભાવ-વૈવિધ્ય અને અભિવ્યક્તિની અવનવી છટાઓ કવિની કવિત્વશક્તિનો નિર્દેશ કરે છે.

~ ઇતુભાઈ કુરકુટિયા (ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ 8 : ખંડ 1માંથી ટૂંકાવીને)

*****

ગીતની બાબતમાં આધુનિક કવિતાનો પહેલો સૂર આ કવિની રચનાઓમાં પ્રગટ્યો છે. ચાલી આવેલા ગીતસ્વરૂપને દ્રઢતર્કમાંથી મુક્ત કરી સંદર્ભો અને સાહચર્યો પર, વાતાવરણના મિજાજ પર તેમ જ અસંબદ્ધ શબ્દભાવજૂથો પર તરતું કરવાનો પ્રયત્ન આથી જ એમના ‘કદાચ’ (૧૯૭૦) કાવ્યસંગ્રહમાં દેખાય છે. ઉપરાંત એમાં ગઝલ અને છાંદસ-અછાંદસ રચનાઓ પણ છે. ‘બરફના પંખી’ (૧૯૮૧) કાવ્યસંગ્રહમાં પણ ગીતની આવી વિશિષ્ટ તરેહો સાથે અનેક અછાંદસ કાવ્યરચનાઓ છે. ‘સ્ટેચ્યૂ’(૧૯૮૮) એમનો, કાવ્યની નજીક સરતા ‘બોલપેન’, ‘બારીને પડદાનું કફન’, ‘કાગડો ધોળા દિવસનું અંધારું છે’ જેવાં અંગતનિબંધોનો સંગ્રહ છે; તો ‘પવનની વ્યાસપીઠે’ (૧૯૮૮) એમનો લલિતનિબંધોનો સંગ્રહ છે. ~ ચંદ્રકાન્ત ટોપીવાળા

કાવ્યસંગ્રહો

કદાચ  2. બરફનાં પંખી  3. ઓરાં આવો તો વાત કરીએ

સન્માન
ગુજરાતી સાહિત્ય અકાદમીનો પુરસ્કાર ( નિબંધ સંગ્રહ ‘સ્ટેચ્યુ’ માટે ) (નિબંધસંગ્રહો – સ્ટેચ્યુ, પવનની વ્યાસપીઠે)

*****

અનિલ જોશી

જન્મ : 28 જુલાઈ 1940 ગોંડલ
પિતા :  રમાનાથ જોશી
જીવનસાથી : ભારતીબહેન
સંતાનો : સંકેત અને રચના

*****

2 Responses

  1. ખુબ સરસ પરિચય ખુબ જાણવા જેવી માહિતી

  2. ingit modi says:

    વાહ….મારા પ્રિય ગીત કવિ….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: