એકધારો ધીમે ધીમે રૂમમાં પંખો ફરે,
બલ્બનો અજવાસ મૂંગો ભીંતથી ખરતો રહે.
ધૂંધળાતા ધૂમ્રસેરોમાં વિખેરાતા શબદ,
એક કાગળ કોરો કાળા મેજ પર કોરો રહે.
લાકડાની બારી, બારીનો જરા તૂટેલો કાચ,
એક ટુકડો ઝાંખા તડકાનો સ્મરણ જેવો પડે.
પરદા છેડા પરથી ફાટેલા જરા હલતા નથી,
એક અટકેલો સમય પણ ના હલે કે ના ચલે.
છતથી ગળતાં પાણીનાં ધાબા પડે દીવાલોમાં,
અણકથી એક વાત પણ ગૂંગળાય ગૂંગળાય કરે.
~ હેમંત ધોરડા
એક સ્થળનું શબ્દચિત્ર, ઉદાસીનો અસબાબ, પીડાનો પ્રેમપત્ર….
