કાવ્યસેતુ 444 અંજના ગોસ્વામી ~ એક આંસુ કેમ * Anjana Goswami

એક આંસુ કેમ સચવાતું નથી?
ને ખરું દુ:ખ કેમ પકડાતું નથી?

વાદળો ખુદમાં ભરી દરિયો, ઊભાં,
છે જે અંદર કેમ ઉભરાતું નથી?

આટલો વરસાદ આવ્યો તે છતાં,
હૈયું મારું કેમ ભીંજાતુ નથી?

હોય જ્યારે ઘરમાં કંઈ મોટો પ્રસંગ,
એક અંગત કેમ સચવાતું નથી?

હોય જો ખુદમાં જ ઈશ્વર તો પછી,
સત્ય એનું કેમ સમજાતું નથી?

~ અંજના ગોસ્વામી ‘અંજુમ આનંદ’

સવાલો અપરંપાર છે, ઈશ્વરની મહિમા જેવા. માનવી જન્મે છે અને જીવે છે ત્યાં સુધી પ્રશ્નોના અંત આવવા શક્ય નથી. તમામ પ્રશ્નોનો વિરામ અંતે છેલ્લા તબક્કે જ આવવાના છે, એ પરમ સત્ય છે. પણ અહીં વાત કવિતાની છે. પ્રશ્નો કાવ્યરૂપે છે. વાત સંવેદનાની છે. અને જેમ ‘દિલ માંગે મોર’, એમ જ ‘દિલ સોચે ઓર’…. પરિણામ એ જ કે પ્રશ્નો. લાગણીની જરૂરિયાત અસીમ હોય છે. જ્યાં સંતોષ ત્યાં સાધુતા એમ કહી શકાય. એ સમજણનું લક્ષણ ખરું પણ સંવેદનાનું નહીં. સવાલો એટલે જ પેદા થાય.  

આંસુ એ જીવનનું અવિભાજ્ય અંગ છે. કવિએ એ વહેવા દઈને પીડા દર્શાવવી નથી. પણ આંસુ જેનું નામ ! એ ટપકયા વગર રહેતું નથી. દુખ અમાપ છે પણ એના ખરા કારણ શોધવાનું અઘરું પડે છે. વરસાદ તો બહાર વરસે છે, અંદર મન કોરું ને કોરું ! આવા સવાલોથી આ કાવ્ય ભર્યું છે. દરેક શેરની વાત જુદા જુદા શબ્દોમાં એ જ છે, ઉકેલાતા નથી મનના મિજાજ અને અકળાવે છે રોજીંદી રામાયણ ! અહીંયા પણ સવાલો સવાલો રહેવા જ સર્જાયા છે. હા, એના ઉત્તરો મળી શકે ! એ માટે સમાધાનો કરવા પડે અને એ ય પૂરી સ્વસ્થતા જાળવીને ! પરંતુ દરેક કવિ જાણે છે, દરેક કલાકાર જાણે છે કે જ્યાં સમાધાન આવે, સ્વસ્થતા આવે ત્યાં કવિતાની સરહદ પૂરી થાય…. એક આકાશનો અંત આવે…. અંદરની વ્યગ્રતા જ કલાની જન્મદાત્રી છે. એટલે આનંદ આ શબ્દોના સૌંદર્યમાં છે, આનંદ આ રજૂઆતની રમ્યતામાં છે, આનંદ આ કાવ્યત્વની કળામાં છે. એ સચવાય, એનો મિજાજ સચવાય એ સાહિત્યની શરત છે. આપણે એને સલામ કરીએ.   

કાવ્યસેતુ 444 > દિવ્ય ભાસ્કર > 11.7.23 

2 Responses

  1. સરસ કાવ્ય નો સરસ આસ્વાદ

  2. અંજના ગોસ્વામી 'અંજુમ આનંદ says:

    ખૂબ ખૂબ આભાર તમારો.. ખૂબ સરસ આસ્વાદ કરાવ્યો છે..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: