દિલીપ જોશી ~ હવાની જેમ * Dilip joshi
હવાની જેમ મારી આવજા થતી રહેશે,
સમયના કોઈ ખૂણે વારતા થતી રહેશે.
બધાના ભાગ્યમાં ક્યાં હોય છે બધું સારું?
પરસ્પર પ્રેમમાં અવહેલના થતી રહેશે.
અધૂરા સ્વપ્નની માફક તને હું ઝંખું છું,
દિવસ ને રાત એની વેદના થતી રહેશે.
લ્યો પંખી થઈને ઊડ્યું આંખમાં નગર પાછું,
ચરણ લાચાર છે તો ધારણા થતી રહેશે.
ફકત એક રંગમાંથી કૈંક રંગ રેલાશે,
ને’ કોરા કેનવાસે કલ્પના થતી રહેશે.
વિસામો દૂર છે ૨સ્તોય દૂર લાગે છે,
તમે સાથે ન હો ત્યારે સજા થતી રહેશે.
મળી જાહોજલાલી એટલે મળ્યા શબ્દો,
કરમના ધાગે ધાગે નિત દુઆ થતી રહેશે.
~ દિલિપ જોષી
કવિ દિલીપભાઈ જોષીને કવીશ્વર દલપતરામ એવોર્ડથી વિભૂષિત થવા બદલ સ-હૃદય અભિનંદન, વંદન….
એક તૃપ્ત અને અર્થપૂર્ણ મક્કમ અવાજ કવિ દિલીપ જોશીની રચનાઓનો છે.
સરસ કાવ્ય કવિશ્રિ ને અભિનંદન
ખૂબ જ સરસ ગઝલ, કવિને કવીશ્વર દલપતરામ એવોર્ડથી વિભૂષિત થવા બદલ અભિનંદન.
આભાર લતાબેન.