કૃષ્ણ દવે ~ મા * Krushna Dave
મા ! હું તો નાનકડી ચિનગારી,
મારી પૂરી તાકાત સાથે
અંધારા સામે લડ્યા પછી જ ઓલવાઈ છું .
પરંતુ મા !
હું તને એક વાત કહેવાની તો ભૂલી જ ગઈ ! !
ગેંગ રેપ દોડતી બસમાં જ થાય છે એવું નથી.
સંવેદના પ્રગટ કરવા માટે
પોતપોતાની સુગંધ લઇ એકઠા થયેલા ફૂલો પર
વોટરગન, ટીયરગેસ અને લાઠીઓથી તૂટી પડાય,
શું એને ગેંગરેપ ના કહેવાય ?
સફાળા જ ઊંઘમાંથી જાગી આંખો ચોળતા ચોળતા
રાબેતા મુજબના ઠાલા આશ્વાસનો આપી
પાછું હૂંફાળી રજાઈમાં પોઢી જવાય,
શું એને ગેંગરેપ ના કહેવાય ?
આંખ સામે જ એક નાજુક વેલને
મૂળમાંથી જ ઉખેડી નંખાય,
તેમ છતા’યે મોઢા પરથી માખ ના ઉડાડાય,
શું એને ગેંગરેપ ના કહેવાય ?
આખ્ખીયે ઘટનાને એન્કેશ કરવા
ચારે બાજુ દોડધામ મચી જાય ,
શું એને ગેંગરેપ ના કહેવાય ?
ઝઝૂમી ઝઝૂમીને શાંત પડેલી
એક નાનકડી ક્ષણને સલામતીના કારણોસર
ચુપચાપ અગ્નિના હવાલે કરી દેવાય,
શું એને ગેંગરેપ ના કહેવાય ?
મા ! હું બરાબર જાણું છું
જો જે ને થોડાક દિવસોમાં જ
મેં દોરેલી ચિનગારીને
સિફતપૂર્વક ભૂસી નાખવામાં આવશે
અને ફરી રાહ જોવડાવવામા આવશે એક દોડતી બસની
પરંતુ મા !
ગેંગરેપ કરનારાઓ માત્ર દોડતી બસમાં જ હોય છે એવું નથી
~ કૃષ્ણ દવે
એક ભયંકર ઘટના ઘટી હતી. સવાલો બધે જ હોય, જે જ્વાળા બનવા જાય છે પણ એને ચૂપ કરવા આખી ફોજ તહેનાતમાં ખડી થઈ. સડકો પર આક્રોશનો જવાળામુખી ફાટે ત્યારે એને લાઠી વિંઝીને, ટીયરગેસ છોડીને ખતમ કરી દેવાનું ઝનૂન પ્રજાના કહેવાતા રક્ષકોનેય જાગે ત્યારે સવાલ થાય કે આ યે શું ગેંગરેપ નથી ? નિર્વીર્ય નેતાઓ, રાજકારણીઓ તમે થોડાંક ઠાલાઠમ આશ્વાસનો આપીને લાજ શરમ નેવે મૂકી ફરી તમારી મુલાયમ તળાઇઓમાં પોઢી જાય ત્યારે આખી પ્રજા પર ગેંગરેપ થાય છે છો.
એક ભૃણ, એક કન્યા, એક સ્ત્રી અને હત્યા, ક્રૂરતા,બળાત્કારનો સિલસિલો…. જાગૃતિ શોધવા જવી પડે ત્યારે સવાલ થાય ગેંગરેપ ક્યાં નથી થતો ? અરે મીડિયાને પણ આ ઘટનાને પોતાના ફાયદામાં વટાવવા કૂદી પડે અને એના માટે જ ચારે બાજુ દોડધામ મચે !! ખેર.. આ બધા પછીયે પેલી દીકરીના જીવને શાંતિ ક્યાં છે ? ઝઝુમી ઝઝુમીને શાંત પડેલી એની જ્યોતિને ચૂપચાપ અગ્નિને હવાલે કરી દેતા એ કોઇના પેટનું પાણીયે હાલ્યું નહીં…. એટલે તો આવી દીકરીઓ ચિત્કારી ચિત્કારીને કહે છે કે એમના જીવનું બલિદાન એળે જ જવાનું છે. એ કહે છે, મા, અત્યારે ભલે લાગે કે એક ચિનગારીએ આખો દેશ જાગ્યો છે, એક તણખે આખું જંગલ સળગ્યું છે પણ બહુ જલ્દી બધું ઠરી જશે, ના સિફતપૂર્વક ઠારી દેવામાં આવશે. લોકોના આક્રોશને બીજે પાટે ચડાવવાનો પ્રયત્ન થશે. કંઇ કેટલીયે બારીઓ ખોલી નાખવામાં આવશે. આમ તો આ કંઇ નવું થોડું છે ? આવા ધુમાડા ઊઠ્યા જ કરે છે એમ ઊઠ્યા જ કરશે ને સમયના પાટે ઘરઘરાટ બોલ્યા કરશે ફરી આમ એક દોડતી બસનો…..
દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ 69 > 8 જાન્યુઆરી 2013
સરસ રચના અને અેટલોજ સરસ આસ્વાદ
વાહ સરસ અછાંદસ રચના છે..
એટલો જ સરસ આસ્વાદ..
અભિનંદન.
વાહ સરસ.. રચના.. આક્રોશ… ભરી ફરિયાદ….છે..
ખૂબ જ વેદના, સંવેદન કવિએ આલેખ્યું છે. જોકે કવિ કૃષ્ણ દવેની દરેક રચના ખૂબ સુંદર હોય છે.
આભાર મેવાડાજી, શૈલેશભાઈ, ઉમેશભાઈ, છબીલભાઈ