નલિની માડગાંવકર ~ વ્હાલમ * Nalini Madganvkar
વ્હાલમ તારે ફળિયે હું તો વ્હાલ થઇને વરસું
ઝરમર ઝરમર વરસું તોયે સરવર થઇને તરસું
બંધ ઓરડે અબોલ હૈયાં ધીમું ધીમું મલકે
પારિજાતનાં ખરખર ખરતાં ફૂલ બનીને છલકે
બુંદ બનીને ઝરતી નરવી લાગણીઓની ભાષા
આવ, આવ હે રાત ! સૂરજની કેમ કરું હું આશા !
અણધારી વૃષ્ટિની ધારે ધારે સાજન ભીંજ્યાં
ખોબે ખોબે નેહ પીધો, ને નવાં નવાણો સીંચ્યાં……
~ નલિની માડગાંવકર
વ્હાલની હેલી – લતા હિરાણી
પ્રેમીના વધામણાં કે એના વલોપાત કંઇક જુદા, અનોખા જ હોય !! એમાં શબ્દને પકડવા જઇએ તો ભાવ છૂટી જાય. એ જ ભાષા ને એ જ શબ્દ પણ એ સામાન્ય જન વાપરે ત્યારે એની છાયા જુદી હોય ને પ્રેમીના મુખેથી સરે ત્યારે એના રંગ જુદા હોય…
ઓરડા બંધ છે, હૈયાં પણ અબોલ છે, શબ્દને અહીં પ્રવેશ નથી પણ કંઇ છૂપુંયે રહેતું નથી… વેરાતું રહે છે, પારિજાતના ફૂલની સુગંધ બની.. લાગણીને ક્યાં ભાષા હોય છે? એ કદીક હોઠના હળવા મલકાટમાં, નજરના આછા છલકાટમાં કે સ્પર્શના નરવા પમરાટમાં વ્યક્ત થઇ જાય છે !! અહીં મિલનની ભાષા કેવી મધુરતાથી વ્યક્ત થઇ છે! બુંદ બનીને નરવી લાગણી ઝરે છે. ‘નરવી’ શબ્દ પણ અર્થસભર છે. આમ બધું બેય કાંઠે છલકાતું હોય, છાકમછોળ હોય, ત્યાં સૂરજને આવકાર શેનો હોય ? નાયિકાને રંગીલી રાતની ખૂટે નહીં એવી ખેવના છે.. ખોબે ખોબે નેહ પીવાય છે ને તોય ધરવ નથી થાતો. પ્રિયતમનો સ્પર્શ થાય છે ને અંગે અંગમાં નવું સૌંદર્ય ખીલી ઊઠે છે. અણધારી વૃષ્ટિમાં ભીંજાવાય છે ને તોય મન ભરાતું નથી..
પ્રસ્તુત ગીતમાં છલકાતી ભરતી જ ભરતી છે. પ્રણયની તીવ્રતા છે. પૂરું ખુલેલું ને ખીલેલું આ ગીત છે. સ્થૂળ અને સૂક્ષ્મ, દેહ અને દિલની અનુભુતિ અહીં વ્યક્ત થાય છે એટલે જ ચાર દિવાલો અને રાતની ઝંખના સાથે ખુલ્લાં ફળિયાને અને વહાલ થઇને વરસવાની ઝંખનાએ પણ પોતાનું સ્થાન લીધું છે. પ્રિયતમમાં પૂરો વિશ્વાસ અને શ્રદ્ધા અહીં વ્યક્ત થયાં છે. કોઇ ઇર્ષ્યાકે માલિકીની ભાવના નથી.. નાયિકાને બસ વરસવું છે, વરસવું છે ને વરસવું છે… સાચો પ્રેમ આ જ કહે છે. આપતાં રહો ને બસ આપતાં જ રહો, તમને શું મળશે એની કોઇ ખેવના વગર, કોઇ ગણતરી વગર, કોઇ અપેક્ષા વગર… અને જેને આમ માત્ર આપવામાં જ સુખ અને સંતોષ મળે છે એ જ પ્રેમ કરી જાણે છે, એ સ્નેહ સાગરમાં તરી જાણે છે. અમથું નથી કહ્યું કે પ્રેમ કરવો એ ખાંડાની ધાર પર ચાલવા જેવું છે.. તો સાથે સાથે એય વાસ્તવિકતા છે કે આ ધાર બહુ ઓછા પાર કરી જાણે છે. સાથ એટલે શું એની ખબર ધીમે ધીમે અને ક્યાંક બહુ મોડી પડે છે બાકી એક છત તળે જીવી લેવું એનું નામ સાથ થોડું છે ?
દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ 57 > 16 ઓક્ટોબર 2012 (ટૂંકાવીને)
સરસ રચના આસ્વાદ પણ એટલોજ ઉત્તમ
આપનું નામ ?
સરસ રચના આસ્વાદ પણ એટલોજ ઉત્તમ
ખૂબ સરસ ગીત જેવી લયબંધ રચના.