કૃષ્ણલાલ શ્રીધરાણી ~ અમે જઈ ઊભાં Krishnalal Shridharani

અમે જઈ ઊભાં ઊંચે લળતી નાળિયેરી તળે,
સમુદ્ર મરજાદ શી નીલમ વેલ લૂમે વળે
નીચે પગ કને : તિમિર તણી પાંખ માંહી જરી
લપાઈ સુણતા પણે મુખર સાગરી ખંજરી.

પુરુષ અડતો સ્ત્રીને પ્રથમ વાર, ને સ્ત્રીય તે
વ્રીડા પ્રથમ ચુંબને ધરત; ને ઉન્હી સંગતે
સમુદ્ર, તરુ, વેલીઓ, સમીર ને દીવા દૂરના,
ત્રિલોક ગળતું મિષે ઉભય નેહના નૂરમાં.

જરીક થડકી ઊઠી હું અણચિંતવ્યા પ્રશ્નથી:
‘પ્રિયા ! પ્રિયતમા ! કહે, ક્યમ તું આટલા વર્ષથી
હતી વરી ચૂકી છતાંય મુજથી રહી વેગળી?’
‘તમેય…’ હુંય ઉચ્ચરી, ‘ક્યમ ન વાંસળી સાંભળી?’

અમે વરસ વેડફ્યાં ઉભય પ્રીતની શંકમાં,
કદી ન અળગાં થશું ! જીવશું એકડા અંકમાં !

~ કૃષ્ણલાલ શ્રીધરાણી

1 Response

  1. 'સાજ' મેવાડા says:

    ખૂબ જ સુંદર પ્રેપી યુગલનું સોનેટ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: