કૃષ્ણલાલ શ્રીધરાણી ~ ગહન ઘનશ્યામ * સ્વર શ્રદ્ધા શ્રીધરાણી

ગહન ઘનશ્યામની મધુર રવ મોરલી
ગગનપટ ઊભરતી પ્રણયનાદે
ઉભય અશ્વિન કરે તાલ મૃદંગના
ગગન-ગોરંભ ભરી મેઘનાદે

દિવ્ય સૂર-તાલ સૂણી ગગનની ગોપિકા,
મૂર્છના વાદળી-વૃંદ જાગે;
તાલ કરતાલ ધરી, પ્રણય નયને ભરી,
મલપતી સરકતે નૃત્ય-પાદે..

સહુ દિશા આવરી રાસકુંડળ રચ્યું
ઝડપ પદતાલથી રાસ જામે;
અંગ કટિભંગ કરી, નયન નર્તન કરી,
કાન ગોપી હ્રદય ઐકત્ર પામે..

નયન નયને ઢળ્યાં, વીજ ચમકા થયા,
મદનમદ નૈન મરજાદ મેલેઃ
હાસ્ય-મોજાં ચડ્યાં, ગાલ ગોળા થયા
હર્ષ-અશ્રુ ખરી પૃથ્વી રેલે..

~ કૃષ્ણલાલ શ્રીધરાણી

અદભૂત સ્વર અને એવું જ સ્વરાંકન. જરૂર સાંભળો

સ્વર અને સ્વરાંકન ~ શ્રદ્ધા શ્રીધરાણી

8 thoughts on “કૃષ્ણલાલ શ્રીધરાણી ~ ગહન ઘનશ્યામ * સ્વર શ્રદ્ધા શ્રીધરાણી”

  1. શ્રીઘરાણીની ઉત્તમ કવિતાઓ. એક નવું જ ભાવવિશ્વ ઉંઘડે છે .

  2. 'સાજ' મેવાડા

    વાહ, ખૂબ સરસ પ્રતિકો સાથેનું કૃષ્ષ ગોપીનું સાસ ગીત.

  3. મનોહર ત્રિવેદી

    બહેન શ્રદ્ધાને બેત્રણ વાર રૂબરૂ સાંભળી છે. મને ગમતા કવિ. હું, પ્રહ્લાદ પારેખ, કૃ શ્રીધરાણી, જયંતીલાલ સોમનાથ દવે એક ગુરુ (નાનાભાઈ ભટ્ટ : દક્ષિણામૂર્તિ) ના વિદ્યાર્થીઓ. દાયકાઓનું અમારી વચ્ચે અંતર પણ ગૌરવ તો થાય જને, લતાબહેન!

  4. સુરેન્દ્ર કડિયા

    અદભુત .. શ્રીધરાણીનું સુંદર કાવ્ય અને સ્વરાંકન

  5. હરીશ દાસાણી

    કાન્તની યાદ આવે તેવી લલિત કોમળ પદાવલિથી મનને પ્રસન્ન કરતું આ ગીત સરસ અવાજથી અને અનુકૂળ સ્વરાંકનથી યાદગાર બન્યું છે.

  6. મૂકેશ વૈદ્ય

    બહેન શ્રધ્ધા શ્રીધરાણીના સ્વરમાં
    કવિ શ્રી શ્રીધરાણીની ગીત રચના સાંભળીને આનંદ અનુભવાય છે.આપણી ભાષાના ઉત્તમ કવિઓ પૈકી એક શ્રી કૃષ્ણલાલ શ્રીધરાણીની
    આ રચના ગાવી પડકારરૃપ છે. બહેન શ્રધ્ધા એને ઉચિત ન્યાય આપ્યો. આ ગાયન એનું સાર્થક તર્પણ બની રહેશે.મારા એને હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ.
    સસ્નેહાદર
    મૂકેશ વૈદ્ય.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *