મુકેશ જોશી ~ કોઈ

બાસમતી ચોખાની મીઠી સુગંધ સમું ફરતું રસોડામાં કોઈ
કૂકરની સીટીમાં વહાલની સિસોટીને સાંભળીને શરમાતું કોઈ

ચાંદનીને રેડીને લોટ કોઇ બાંધે ને થાળીમાં અજવાળું થાય
ઓરસીયે રોટલીની જગ્યાએ પૂનમનો આખોય ચન્દ્રમા વણાય
દાઝી ના જાય ચૂલે એકે સંબંધ એમ પળપળને સાચવતું કોઈ…

આખું આકાશ જાણે જમવા પધારવાનું : હૈયામાં એવો તહેવાર
ઉનાળે બાફીને અથવા ચોમાસામાં સ્મિત મૂકી થાતો વઘાર
જીવતરની મોસમને ભાણામાં પીરસીને અંદરથી ગભરાતું કોઈ..  

~ મુકેશ જોષી

તાજાં મસાલેદાર ખુશ્બોભર્યા સ્વાદિષ્ટ ખાણાં જેવું આ મઘમઘતું આ ગીત વાંચીને મન પ્રસન્ન થઇ જાય અને મસ્તીનો ઓડકાર આવે! વાત રસોઇના પ્રતીકોથી છે, ભોજનની આડશે ભાવ પીરસાયા છે. અલબત્ત નવવધુનું રસોડામાં ફરવું એ અહીં એનાં પ્રિયતમની દૃષ્ટિએ આલેખાયું છે, સાસુની દૃષ્ટિએ જોવામાં વળી જુદું કાવ્ય લખવું પડે !!

કવિતાનાં ગીતતત્ત્વમાં લયની સોડમ ભરપૂર છે. રસોડામાં ફરતી નવવધુને બાસમતી ચોખાની મીઠ્ઠી સોડમ સાથે સરખાવતી કવિની કલ્પનશક્તિ મનમાં સ્વાદના ને સંસ્મરણોના ફુવારા છોડી જાય છે. કવિએ રસોડાનાં વાતાવરણને રોમાંટિક બનાવી દીધું છે.

આ નર્યું જીવનકાવ્ય છે. સીધી લગ્નથી શરૂઆત કરીએ તો પણ શરૂઆતનો સંવનનનો સમય એ રસોડા અને બેડરૂમની આસપાસ ભમ્યા કરે છે…. સ્વાદ ભોજનનો અને સ્વાદ શરીરનો… યાત્રા અહીંથી શરૂ થઈ ધીમે ધીમે એકબીજામાં ભળવા, ઓગળવાની ક્રિયામાંથી પસાર થતી આખરે અન્યોન્ય સમજણ અને સંવાદિતાનાં મધુર સેતુ સુધી પહોંચે – એ આખોય આહ્લાદક રસ્તો અહીં કલાત્મક રીતે ચીંધી દીધો છે !!  

4 Responses

  1. હરીશ દાસાણી.મુંબઈ says:

    સ્વાદ અને સોડમ,સ્પર્શ અને સ્મરણ આ બધા જીવન વૈભવ ને તાદ્દશ કરતું મીઠડું ગીત

  2. વાહ સુંદર પ્રતિકો દ્નારા કાવ્ય ની ગૂંથણી ખુબ દાદ માંગી લે તેવી છે કવિ શ્રી ને અભિનંદન આસ્વાદ અતિ સરસ

  3. Minal Oza says:

    ખૂબ સરસ ગીત..ભાવની નજાકત ને વર્ણવતું મજાનું ગીત.

  4. વાહ, ગીતોના બાદશાહ જ્યારે નવોઢાને એની નવી જિંદગીનો પરિચય મધમઘતા પ્રતીકોથી કરાવે ત્યારે એમાં સૂંડલે સૂંડલે વહાલ ન છલકે તો જ નવાઈ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: