ગની દહીંવાલા ~ તેજ-છાયાની રમત * Gani Dahiwala

ઓશિયાળા થઈ ગયા ~ ગની દહીંવાલા

તેજ-છાયાની રમત મતભેદ રમતા થૈ ગયા,
બારણે સૂરજ ઊભો ને ઘરમાં દીવા થૈ ગયા !

આ પરાધીન જીવવાની શી પ્રણાલી પાંગરી !
કેટલાં હૈયાં ઉછીના શ્વાસ લેતાં થૈ ગયા !

કોઈએ જ્યાં ફેરવી લીધા નયન તો દુ:ખ થયું,
જોઈ લીધું તો જીવનભર ઓશિયાળા થૈ ગયા !

ભાન છે થોડું પીધાનું અને હવે તળિયું દીસે,
જામ શું ચોરીછૂપીથી ઘૂંટ ભરતા થૈ ગયા ?

આપણે ખુદમાં ન જાણે ક્યારથી કીધો પ્રવેશ,
બંધ ઘરના દ્વાર શી રીતે ઊઘડતાં થૈ ગયાં ?

રાતની બેચેનીઓનું ચિત્ર આ ચાદરના સળ,
કેટલી સહેલાઈથી સાકાર પડખાં થૈ ગયાં !

કાંઈ નહોતું છતાં દેખાવ જેવું છે, ’ગની’,
જિંદગીની ધૂળ સળગી ને ધૂમાડા થૈ ગયા.

~ ગની દહીંવાલા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: