ગની દહીંવાલા ~ તમે એ ડાળ છો * Gani Dahiwala

તમે એ ડાળ છો ~ ગની દહીંવાલા

તમે એ ડાળ છો, જે ડાળ પર પહેલું સુમન લાગે,
હું એવું પુષ્પ છું : મહેંકી રહું જ્યાં જ્યાં પવન લાગે.

કહ્યું છે સાવ મોઘમ, યોગ્ય જો તમને સૂચન લાગે,
ઘડીભર ખોરડું મારું મને ચૌદે ભુવન લાગે.

દિવસને આવવું હો તો વસંતોમાં વસી આવે,
સૂરજને સૂંઘીએ તો રોજનું તાજું સુમન લાગે !

ઊભો છું લઈને હૈયા-પાત્ર, યાચું કંઈક એવું કે,
જગત નિજની કથા સમજે, મને મારું કવન લાગે.

ઘણું ભારણ છે જીવનમાં, છતાં એક બોજ એવો છે,
ઉપાડો તો સહજ લાગે, ઉતારો તો વજન લાગે !

મનોમન વ્યગ્ર થઈ મનને મનાવી તો જુએ કોઈ,
હૃદય આ લાડકું, રિસાયેલું કોઈ સ્વજન લાગે.

‘ગની’, સંઘરેલ તણખાને હૃદયથી વેગળો કરીએ,
કોઈ સદભાગી હૈયે, આપણા દિલની જલન લાગે.

~ ગની દહીંવાલા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: