મેઘજી ડોડેચા ‘મેઘબિંદુ’ ~ જનમોજનમની

જનમોજનમની આપણી સગાઇ
હવે શોધે છે સમજણની કેડી
આપણા અબોલાંથી ઝૂર્યા કરે છે
હવે આપણે સજાવેલી મેડી…

બોલાયેલા શબ્દોના સરવાળા-બાદબાકી
કરતું રહ્યું છે આ મન
પ્રત્યેક વાતમાં સોગંદ લેવા પડે
છે કેવું આ આપણું જીવન
મંઝિલ દેખાય ને હું ચાલવા લાગું ત્યાં
વિસ્તરતી જાય છે આ કેડી…….

રંગીન ફૂલોને મેં ગોઠવી દીધાં છે તેથી
ખીલેલો લાગે આ બાગ
ટહુકાને માંડ માંડ ગોઠવી શક્યો, પણ
ખરી પડ્યો એનોય રાગ
ઊડતાં પતંગિયાઓ પૂછે છે ફૂલને !
તારી સુગંધને ક્યાં વેરી?…..

~ મેઘજી ડોડેચા ‘મેઘબિંદુ’

કવિ મેઘજી ડોડેચાના આ કાવ્યના શબ્દો એટલા હૃદયસ્પર્શી છે કે સ્વરોત્તમ પુરુષોત્તમ ઉપાધ્યાય એનું  સ્વરાંકન કર્યા વગર ન રહી શક્યા અને એકવાર સાંભળ્યા પછી ગાયિકા હંસા દવેએ આ ગીતને મધુર સ્વરમાં ગાયું. હમણાં એ વિડીયો પ્રાપ્ત નથી પરંતુ આ ગીત લોક હૈયે વસેલું છે. શબ્દો વાંચતાં જ મનમાં એના સ્વરો ગૂંજી ન ઊઠે તો જ નવાઈ. 

‘સંબંધ તો આકાશ’ આ કવિનો ગીત-ગઝલસંગ્રહ. 

10.12.20

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: