કાલિંદી પરીખ ~ ઘાટા મુલાયમ વાળ

ઘાટા મુલાયમ વાળ 

હવે પાતળા થવા લાગ્યા છે.

સ્નેહ-સંબંધોનું પોત 

હવે કંઈક ઝાંખું થતું જાય છે. 

એક વખતના માનેલા સ્વજનો

અને વતન પણ –

બદલાયેલા લાગે છે. 

જેમ જેમ સફેદ વાળ વધતાં જાય છે 

તેમ તેમ હું મુજથી નજીક થતી જાઉં છું.

ગૂંચળું વળેલા વાળાને સરખા કરું છું

સૂતેલી પળોને જગાડું છું. 

સફેદ કેશને કરું શ્યામ ?

ના, એ તો ધજા

જ્યાં મારો અંતિમ મુકામ.

– કાલિંદી પરીખ 

1.12.20

જગત સામે જાતનું પોત બદલાતું રહે છે, જીવને આ બદલાવનો અનુભવ અમુક સમયે થયા કરે. આ સૌના અનુભવની વાત છે. અલબત્ત એનો સ્વીકાર સામાન્ય રીતે અઘરો હોય છે ! અહીંયા કવયિત્રીએ એ સ્વીકાર અને એનો જાહેર એકરાર પણ કર્યો છે ! જીવનની સામાન્ય બાબતોને એક જુદી નજરથી જોવાની કવિને મળતી કુદરતી બક્ષિસ આ શબ્દોમાં તરવરે છે. વાળની સફેદી, જીવનનો અનુભવ જાગૃત માનવીને ‘સ્વ’ને પામવામાં સહાયક બને છે. આ ‘સ્વ’ની જાહોજલાલી તો જેમણે અનુભવી હોય એ જ જાણે ! કવિ જયંત પાઠકના શબ્દોમાં ‘અનુભવ ગહરા ગહરા’ આ અનુભવની ધજા અંતિમ મુકામ સુધી ફરકતી રહે એ ભાગ્યશાળી ! 

સાભાર : ‘ક્યાંક વચ્ચે દિવાલ’  કાવ્યસંગ્રહ  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: