કાન્ત ~ આજ મહારાજ ! * Kant

આજ, મહારાજ ! જલ પર ઉદય જોઈને
ચન્દ્રનો, હૃદયમાં હર્ષ જામે.

તને હું જોઉં છું, ચંદા ! કહે ! તે એ જુએ છે કે ?
અને આ આંખની માફક – કહે, તેની રુએ છે કે ?

અને તવ નેત્રમાં તે નેત્રનું પ્રતિબિંબ જોવાને
વખત હું ખોઉ તેવો શું – કહે, તે એ ખુએ છે કે ?

સખી ! હું તો તને જોતાં – અમે જોયેલ સાથે તે-
સ્મરંતાં ના શકું સૂઈ ! કહે, સાથી સુએ છે કે ?

સલૂણી સુંદરી ચંદા ! ધરી તવ સ્વચ્છ કિરણોમાં-
હૃદયનાં ધોઉં છું પડ હું ! કહે, તે એ ધુએ છે કે ? 

– મણિશંકર રત્નશંકર ભટ્ટ ‘કાન્ત’

યાદગાર ઊર્મિકાવ્યો અને ખંડકાવ્યો આપનાર કવિ ‘કાન્ત’ના ખૂબ જાણીતા કાવ્યોમાંનું આ એક. સ્નેહ અને સૌંદર્યની અભિપ્સા આ કવિના સર્જનનું મુખ્ય તત્વ છે. કલાદૃષ્ટી અને કાવ્યસૂઝ આ કાવ્યમાં નોંધપાત્ર રીતે ઉપસી આવે છે. પ્રેમમય થયેલો જીવ પોતાના પ્રિયજન માટે શું વિચારે ?   એ ભાવ આખાયે કાવ્યનું સળંગ સૂત્ર બની રહ્યું છે. એક પછી એક બંધમાં પોતાના પ્રેમની અભિવ્યક્તિ અને સામે પક્ષે રખાતી અપેક્ષાનું ગૂંથન છે, જેમાં ઉત્કટ પણ આવેશરહિત પ્રેમરસનો એકધારો, શાંત પ્રવાહ વહ્યે જાય છે.

20.11.2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: