મકરંદ દવે ~ તમે જેને Makarand Dave

તમે જેને ચહો છો એ કદી તમને ન ચાહે

તમે જેને કહો છો ચાલ, તે ના’વે તમારા એક રાહે

જિન્દગી સસ્તી નથી

ને એ મળી તમને અમસ્તીયે નથી

વેડફો શાને નિરર્થક આંસુ ને નિશ્વાસ ને આઘાત આહે !

તમે આગે ચલો !

આગ છોને અંતરે છૂપી જલો

પણ જિન્દગીમાં સ્મિત ભરીને બળ ધરી પંથે પળો.

આજ જે તમને ન ચાહે

છો ન આવે એક રાહે

એ જ જો દીવો હશે સાચો હ્રદે

તો આપ મેળે આવશે દોડી પથે.

ને જિન્દગીમાં જો નહીં તો-

ના હવે એ વેડફો નિશ્વાસ ને આઘાત આહે-

રાખજો વિશ્વાસ કે એ આવશે આખર નકી

ઉજ્જવળ તમારા આત્મની આરામગાહે.

– મકરંદ દવે

આરામગાહ… એટલે વિસામો. અને અહીં જેની વાત થઇ રહી છે  એ કોઈ સામાન્ય વિસામો નથી, એ છે આત્મની આરામગાહ. અને એ પણ વળી કેવા આત્મની આરામગાહ તો કહે… ઉજ્જવળ તમારા આત્મની આરામગાહ.

તમે જેને ચાહો છો એ આજે ભલે તમને ન ચાહે, તમે જેને આજે ચાહો છો એ કદાચ તમારા પથ પણ તમારી સાથે ચાલવા તૈયાર ન થાય એવું પણ બને,  પણ ક્યારેક એને કોઈ એવા સંજોગો આવશે કે ક્યાંય ઠરવા ઠામ નહિ હોય તો એ જરૂર તમારા સુંદર આત્માને વિસામે આવીને એનો થાક ઉતારશે.

ખુબ સરળ ભાષા, અને પ્રેમની સાર્થકતાની… સાચી ઊંચાઇની વાત… ઓછામાં ઓછા શબ્દોમાં કેટલું કહેતું હોય છે કાવ્ય! – મીનાક્ષી ચંદારાણા

15.2.21

Kirti shah

13-04-2021

મકરંદભાઇ ની કવિતા વાંચી શાતા મળી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: