ભાસ્કર ભટ્ટ ~ ફળીયે ઢોલ * Bhaskar Bhatt

ફળીયે ઢોલ ઢબૂકયા ત્યારે હૈયે દાંડી વાગે
દોરે વીંટી એક ઢીંગલી, ફળિયું જઈ છલાંગે….

આંખોનું જે રતન હતું તે આંસુ થઈ વછૂટે
ઢીંગલીના આ મૈયર ઘરનું એક આયખું ખૂટે
અષાઢ આંખે ઊતરી આવે, ફૂલ્યા ફાલ્યા ફાગે….

ખૂલ્યા તોયે બંધ રહે છે ઘરનાં બારી ઝાંપા
ભીંત ઉપરથી પાંપણ અડતા, કંકુવરણા થાપા
રાત વરતમાં સૂનું ખોરડું, નળિયા સોતું જાગે……

સાવ અવાચક આંખો લઈને તગ તગ તાકે છૈયાં
આણામાં બંધાઈ ચૂક્યાં છે, ધૂમ ધબકતાં હૈયાં
કોયલ માળો મૂકી પહોંચી સાવ પરાયા બાગે….

શીયાં-વિયાં આ ઘરનાં તોરણ, ભોંય ઝૂકીને ઝૂરે
ઉંબર આડો થઈ રિસાયો કોણ સાથિયા પૂરે ?  
કા-કા કરવું બંધ કર્યું છે ઘર-મોભારે કાગે
વળી ઉપરનાં બેવડ નળિયાં ઘર ખાલીપો તાગે…..

~ ભાસ્કર ભટ્ટ

કન્યા-વિદાયની હૃદયસ્પર્શી ક્ષણો પરોવાઈ છે આ ગીતમાં જે હવે ધીમે ધીમે ખોવાતી જાય છે… કદાચ કારણ એ કે  પહેલાંના સમયમાં સાસરું અજાણ્યું અને જેવું હોય એ સહી લેવાની સીખ…. પતિનું ઘર એ જ દીકરીનું ઘર… વગેરે હવે દીકરી હસતી-રમતી સાસરે જતી હોય એવા દૃશ્યો જોવા મળે છે. લાચારી-મજબૂરી ઓછાં થતાં જાય છે… અલબત્ત માતા-પિતાના હૈયાની વેદના તો રહેવાની જ….સાંભળો આ ગીત ગાયક નિગમ ઉપાધ્યાયના સ્વરમાં. 

19.2.21

કાવ્ય : ભાસ્કર ભટ્ટ  સંગીત : ભરત પટેલ ગાયક : નિગમ ઉપાધ્યાય

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: