કુમાર જિનેશ શાહ ~ સૂરજ સાથે

સૂરજ સાથે રમતાં વાદળ અઢળક-અઢળક.

લીલી ગંધે નાસિકા થઇ લથબથ-લથબથ.

ખારા દરિયે ના કોઈ પ્રતિબિંબ ઝીલાતું,

હાલક~ડોલક મોજાંથી સઘળું ડહોળાતું,

મીઠા સરવરમાં આવી આકાશ નહાતું.

અમથા ખાબોચિયે નભ કરતું છબડક-છબડક…..

છાતી કાઢી ઊભો જોને અકડું ડુંગર,

ભીતર ભેજ છુપાવી બેઠાં નકરા પથ્થર.

ભીનાં કેશ હવા સૂકવતી તેની ઉપર.

કુંતલજળની છાલકથી થ્યો મખમલ-મખમલ….

પુલકિત ધરતીનાં રોમેરોમ લહેરાયાં,

પાંપણ જેવાં વૃક્ષોની ઝૂકી ગઈ છાયા.

ઊનાં શ્વાસો જાણે માટી ફોરમ ફાયાં.

હેત પરસ્પર વરસાવ્યું કૈં મબલખ-મબલખ….  

કુમાર જિનેશ શાહ

કુમાર જિનેશ શાહ પ્રકૃતિએ કવિ છે. સરસ પ્રકૃતિ કાવ્યો બહુ ઓછાં મળે છે એમાંનું આ એક… કુમાર જિનેશ અચ્છા નિબંધકાર પણ છે. એમના પ્રવાસ નિબંધો પ્રકૃતિપ્રેમથી લથબથ-લથબથ અને એ વાંચતાં આપણી નાસિકા લીલીછમ સુગંધથી છલકાઈ જાય. હમણાં 2019માં પૂજ્ય મોરારીબાપુની ઉત્તરકાશીમાં યોજાયેલી કથામાં અમે સહુ સાથે હતા. એ યાત્રા રસાળ શૈલીમાં એમણે ગુજરાત ગાર્ડિયનમાં હપ્તાવાર આલેખી છે.

24.3.21

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: