પ્રજ્ઞા વશી ~ આભ ગોરંભે ચડી * Pragna Vashi
આભ ગોરંભે ચડી અથડાય છે વરસાદમાં,
ને ધરાનાં ચીર પણ ધોવાય છે વરસાદમાં.
કેમ એની આંખમાં શ્રાવણ વહે વૈશાખમાં ?
રેશમી અલગાવ અહીં પોંખાય છે વરસાદમાં.
વીજ થૈને એમ તારું દૂરથી ચમકી જવું
તોય મન તો દાઝવા લોભાય છે વરસાદમાં
લાગણી ટહૂકે ભીની આ સગપણોના આભમાં,
તો ય કોયલ ભીતરે મુંઝાય છે વરસાદમાં.
પ્રેમની સિતાર જ્યાં મલ્હારતી સૂનકારમાં,
એક દરિયો આંખમાં છલકાય છે વરસાદમાં.
એક છત્તર હોય તોયે કેમ એ આઘા રહ્યા ?
કોરી કોરી આ ક્ષણો વરતાય છે વરસાદમાં.
ચોતરફ વરસાદ બસ, વરસાદ મૂશળધાર ને
બેઉ કાંઠે જિંદગી ધોવાય છે વરસાદમાં.
~પ્રજ્ઞા વશી
પહેલા શેરમાં, આમ તો સમતા રાખીને માત્ર વરસાદી માહોલને વર્ણવવાથી શરુઆત કરી છે. ‘આભ ગોરંભાય’ કે ‘ધરાનાં ચીર ધોવાય’થી આરંભ કર્યો છે પણ ‘અથડાવા’ જેવા શબ્દપ્રયોગથી અંદરની અકળામણ ટપકી પડી છે અને એ ઘડીથી જ મનને વહેવાનું મોકળું મેદાન મળી જાય છે.
23.3.21
પ્રતિભાવો