અમર પાલનપુરી ~ પવન ફરકે * Amar Palanpuri

પવન ફરકે તો એ રીતે ફરકજે પાન ના ખખડે !
કોઈને સ્વપ્નમાં માંગી અમર હમણાં જ સૂતો છે.

દવા તો શું હવે સંજીવની પણ કામ નહીં આપે,
જીવનના ભેદને પામી અમર હમણાં જ સૂતો છે.

ગયો એ હાથથી છટકી, હવે શું બાંધશે દુનિયા-
બધાંયે બંધનો ત્યાગી, અમર હમણાં જ સૂતો છે.

ન જાગે એ રીતે ઊંચકીને એને લઈ જજે, દુનિયા !
સમયની કૂચમાં થાકી, અમર હમણાં જ સૂતો છે.

અમર પાલનપુરી

ગઝલની પ્રથમ પંક્તિ જ આપણને હળવેથી ઊંચકીને એક ઊંડી પ્રશાંત નિંદ્રામાં સૂતેલી વ્યક્તિ પાસે લઈ જાય છે. કોમળ મનના કવિ પાસેથી આ જ અપેક્ષિત હોય ! અને બીજા શેરમાં ‘જીવનના ભેદને પામી…..’ કહી કવિ આ નમણી વાતને સહજ રીતે ચિંતનનો સ્પર્શ આપી દે છે. આખીયે ગઝલ આમ જ સહજ, સરળ અને સ્પર્શી જાય એવી બાનીમાં વહે છે. પોતાના મૃત્યુની કલ્પના કરીને, આટલી નજાકતથી આલેખતા કવિના સંવેદનને સલામ !

25.3.21

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: