સિકંદર મુલતાની ~ તું નથી

તું નથી કે નાવ, તટ, ને સાંજ – દરિયો સ્તબ્ધ છે,

અડપલી આ અલકલટ,  ને સાંજ – દરિયો સ્તબ્ધ છે !

આંખમાં અંધાપો છે,  ને ખાલીપો છે દિલ મહીં,

હોઠ પર છે તારી રટ,  ને સાંજ – દરિયો સ્તબ્ધ છે !

ભોટ દિલને છે હસાવે,  તો રડાવે પણ કદી,

પ્રેમ છે આ કેવો નટ,  ને સાંજ – દરિયો સ્તબ્ધ છે !

કામ છે દુશ્મન તણું, કે દોસ્ત કેરું ?  શું કહું !

થાય નૈ કો’ ચોખવટ,  ને સાંજ – દરિયો સ્તબ્ધ છે !

‘એ નહીં આવે.!’ – કહી સૂરજ ‘સિકંદર’ આથમે,

આવ, તારા છોડ વટને..સાંજ – દરિયો સ્તબ્ધ છે !

 –  સિકંદર મુલતાની

પ્રેમની, વિરહની, અજંપાની, એકલતાની અને અમુક અંશે આજીજીની પણ ગઝલ કહી શકાય, જ્યારે છેલ્લા શેરમાં નાયક કહી જ દે  છે, ‘આવ, તારા છોડ વટને…’

રદ્દીફ ‘ને સાંજ – દરિયો સ્તબ્ધ છે !’ મનમાં એક વિષાદભર્યા વિસ્મયનો ભાવ જગાવે છે. જાણે જે પરિસ્થિતિ પ્રાપ્ત થઇ છે એનું નિવારણ કોઈ અદૃશ્ય શક્તિના હાથોમાં સોંપી દીધું છે. જુદાઈની ગઝલ હોવા છતાં ક્યાંય આવેશ કે ઉદ્વેગ નથી વરતાતા એનું કારણ આ રદ્દીફ છે. આ કલ્પનનો અર્થ ‘દરિયા જેવી સાંજ’, ‘સાંજ અને દરિયો’ કે ‘ઉદાસ સાંજ અને મનસાગરની વિકલતા’ કરી શકાય.. અલબત્ત ‘સાંજ’ સાંજ જ રહે છે, દરિયાની અર્થછાયાઓ ભાવક પ્રમાણે બદલી શકે ! આ જ કવિતાની ખૂબી છે. ‘લટ’, ‘રટ’, ‘વટ’ જેવી પ્રાસયોજના કવિતાને યુવાહૃદયની ઊર્મિઓ સાથે જોડેલા રાખે છે.

12.7.21

કાવ્ય : સિકંદર મુલતાની – સાંજ – દરિયો * સ્વર : ભરત ત્રિવેદી

*****

Sarla Sutaria * 14-07-2021 * પ્રેમ, વિરહ ને અજંપો નિરુપતિ સુંદર ગઝલ ??

Varij Luhar * 13-07-2021 * ખૂબ સરસ સ્વરાંકન..

ડો. પુરુષોત્તમ મેવાડા, સાજ * 12-07-2021 * દરિયા કાંઠે વિરહાનુભુતી ખૂબ સરસ કહેવાઈ છે, ખદ્દારી સાથે. ભરતભાઈએ.સરસ ગાયું છે.

Pranav thaker * 12-07-2021 * સરસ..? અભિનંદન

Bharat * 12-07-2021 * સિકંદરભાઈ આપની રચના નો ભાવ જ ખૂબ સુંદર ને પ્રભાવી હોવાથી સહજમાં સ્વરાંકન બન્યું તેને હિસાબે મને ખુબજ ઉમદા લાભ તેમજ મિત્રોનો પ્રતિભાવ મળ્યો તેનો આનંદ છે

છબીલભાઈ ત્રિવેદી * 12-07-2021 * આજનુ સિકંદર મુલતાની સાહેબ નુ કાવ્ય ખુબજ સુન્દર અને અેટલોજ સરસ આપે આપેલો કાવ્ય સાર ખુબ ખુબ અભિનંદન આભાર લતાબેન

સિકંદર મુલતાની * 12-07-2021 * આદરણીય લતાબહેન….
‘કાવ્યવિશ્વ’ના ચાહકો સુધી મારી આ રચના અને એનું સ્વરાન્કન પહોંચાડવા બદલ હું આપનો આભારી છું. મારી રચના ‘કાવ્યવિશ્વ’માં હોય એ મારા માટે ગૌરવની વાત છે.. ધન્યવાદ.. -સિકંદર મુલતાની.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: