સંજુ વાળા ~ સંતો * Sanju Vala

સંતો ! નહીં આવન નહીં જાવન ન કોઈ જાતરા
સંતો ! પડ્યા પાસા ભલે પોબાર પણ ના થઈ શક્યાં આયોજનો આગોતરાં
સંતો ! નહીં આવન, નહીં જાવન, ન કોઈ જાતરા.  

છો ને રૂપેરી આભ નવલખ તારલાના ઝળહળાટે હોઠમાં મરકે, હસે
અપની મઢૂલી માંહી રાજી સાધુજન, ના વૃત્તિમાંથી સહેજ પણ ચસકે, ખસે
સંતો ! જગન જિવાઈના માંડે અને સૌ જીવતાંને હરખે દેતાં નોતરાં
સંતો ! નહીં આવન, નહીં જાવન, ન કોઈ જાતરા.  

પામ્યા પરમ સંજોગ : બારે મેઘ ઘેરાવા સમો કો’ ભાવ અવતારવા, મથે
ટાણું સપરમું સાચવી લેતા હરિજન, વાણીમાં વિશેષ આદરવા, કથે
સંતો ! ત્યજી સૌ તત, તત્પર સદા સત્કારવાને ચિતરા ને ઓતરા
સંતો ! નહીં આવન નહીં જાવન ન કોઈ જાતરા.

– સંજુ વાળા 

‘યોગી કથામૃત’માં સ્વામી પરમહંસ યોગાનંદ લખે છે,

ગુરુજીની છબીની શક્તિથી સાજા થયા પછી થોડા સમયમાં મને એક આધ્યાત્મિક દર્શન થયું. એક સવારે પથારીમાં બેઠાં બેઠાં જ હું ઊંડા દિવાસ્વપ્નમાં સરકી ગયો.

‘બંધ આંખોના અંધકાર પાછળ શું છે ?’ આ વિચાર ખૂબ શક્તિશાળી રીતે મારા મનમાં આવ્યો. પ્રકાશનો એક અમાપ ઝબકારો મારી આંતરદૃષ્ટિ પર પડ્યો. મારા કૂટસ્થમાં તેજના વિશાળ પડદા પર પર્વતની ગુફાઓમાં ધ્યાનસ્થ સ્થિતિમાં બેઠેલા સંતોની દિવ્ય આકૃતિઓ પ્રગટ થવા લાગી.

‘તમે કોણ છો ?’

‘અમે હિમાલયના યોગીઓ છીએ.’

‘ઓહ, હું હિમાલય આવી તમારા જેવો થવા તલસું છું !

દર્શન અદૃશ્ય થયું પરંતુ રજત કિરણો ઉત્તરોત્તર મોટા થતાં જતાં વર્તુળો દ્વારા અનંતમાં સમાઈ ગયાં.

‘આ અદભૂત તેજ શું છે ?   

‘હું ઈશ્વર છું. હું પ્રકાશ છું.’ – વાદળોના ગડગડાટ જેવો આ અવાજ હતો.

‘હું તમારી સાથે એકરૂપ થવા ઇચ્છું છું……..’

મારી આ દિવ્ય સમાધિ ધીમે ધીમે શમી ગઈ, પરંતુ એમાંથી ઈશ્વરની શોધ કરવાની સનાતન પ્રેરણા મને મળી. ‘એ શાશ્વત છે, નિત્ય-નવીન આનંદ છે.’

એ સ્થળકાળથી પર  છે…. સર્વ વ્યાપ્ત છે.  

કવિ સંજુ વાળાનું ‘સંતો સપ્તક’ જેમાં ગહન ચિંતનભર્યા પૂરા સાત કાવ્યોનો પુષ્પગુચ્છ છે.

ઉપર વાંચ્યું એ એમાંનું સાતમું પુષ્પ, અને એનું મુખડું

‘સંતો ! નહીં આવન નહીં જાવન ન કોઈ જાતરા’ – ને સમર્પિત ઉપરનો પ્રસંગ.  

11.7.21

***

છબીલભાઈ ત્રિવેદી

11-07-2021

આજનુ સંજુવાળા સાહેબ નુ આધ્યાત્મિક કાવ્ય ખુબજ ઉમદા સાધુ સંતો અનેતેની અનુભૂતિ તો અલૌકિક ઘટના છે ખુબ ખુબ અભિનંદન આભાર લતાબેન

Sarla Sutaria

11-07-2021

ખૂબ ખૂબ સુંદર રચના, સંતોની દુનિયા ન્યારી હોય છે. ન ક્યાંય જવું ન આવવું, ન તો જાત્રા કરવી. એક આસને સ્થિર બેસી ધ્યાનમાં ચિત્ત જોડી ઈશ્વરમય થવું એ જ એમની નિયતિ… ખૂબ અર્થ ગંભીર રચના ?

સંજુ વાળા

11-07-2021

ખૂબ ખૂબ આભાર
મિત્રોનો પણ આભાર

લલિત ત્રિવેદી

11-07-2021

વાહ ભાઈ

સિકંદર મુલતાની

11-07-2021

વાહહ

ડો. પુરુષોત્તમ મેવાડા, સાજ

11-07-2021

વાહ, સંતોને કેન્દ્ર માં રાખી રચાયેલું ખૂબ મનનનીય ગીથ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: