દક્ષા સંઘવી ~ ઈચ્છાના પીંછાઓ

ઈચ્છાનાં પીંછાઓ સાચવી સાચવીને

મૂકું છું લાગણીના બાનમાં

હું તો ઘર રે ગૂંથું છું મકાનમાં.

સૂરજના તાપ અને સમદરની મોજ

મેં તો બાંધ્યાં રે બાંધ્યાં સામાનમાં

હું તો ઘર રે ગૂંથું છું મકાનમાં.

ડાળડાળ પર્ણોને મોકલ્યાં છે કહેણ

ઓલ્યા ટહુકાને સાથે લઇ આવજો

ઊંચેરી ડાળ ઉપર ખીલ્યાં તે ફૂલોને

હળવેથી ચૂંટી ઉતારજો

જંગલનાં ઝાડ ઝાડ દીધાં છે નોતરાં

સમજી લેજોને બધું સાનમાં

હું તો ઘર રે ગૂંથું છું મકાનમાં.

ઓ રે ઓ વાયરા ગીતો રેલાવજો

ઝરણાને ઝાંઝર પહેરાવજો

આકાશી એનઘેન દીવા-રંગોળી

મારા શમણામાં તોરણ બંધાવજો

ઘેલી રે ઘેલી તેં તો બાંધ્યા આકાશ

એમ ગણગણતું કોણ મારા કાનમાં

હું તો ઘર રે ગૂંથું છું મકાનમાં………. 

~ દક્ષા સંઘવી

સીમેંટ કોંક્રીટની દિવાલોમાં ઘર ગૂંથવાની અહીં વાત છે. મકાનને સ્ત્રી જ ઘર બનાવી શકે. પોતાનું ઘર બનાવવું એ સ્ત્રીના જીવનનો એક મહામૂલો પ્રસંગ. ગૂંથવાનું કામ બહુ ઝીણવટ અને ચીવટ માગી લે છે. ઘર બનાવતી સ્ત્રીના મનમાં આકાશ જેટલી ઇચ્છાઓ વ્યાપેલી છે એને ઝીણા ઝીણા તાંતણે ગૂંથવાની છે..,  ઘર નાનું હોય કે મોટું, એક ગૃહિણી માટે એ પોતાના સપનાંનો સંસાર છે. એટલે એણે મુલાયમ ઇચ્છાના પીંછાઓ સાચવી સંભાળીને રાખ્યા છે. નવા ઘરની મધુર કલ્પના અને ઉમંગ આ કાવ્યમાં જે વર્ણવાયો છે તે સ્ત્રી સારી રીતે સમજી શકે. કવયિત્રીએ પ્રકૃતિના કેટલાં બધાં તત્વોને પોતાની ખુશીમાં, પોતાના ઉત્સવમાં સામેલ કર્યા છે અને એ એટલા જીવંત રીતે વણ્યા છે કે ભાવક પણ નાયિકાની ખુશીથી ભીંજાયા વગર ન રહે.

11.8.21

રેખાબેન ભટ્ટ

13-08-2021

દક્ષા સંઘવી, અભિનંદન. આટલું સુંદર ભાવસભર ગીત..

આભાર આપનો

13-08-2021

આભાર વિવેકભાઈ, છબીલભાઈ અને કિશોરભાઇ.

‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેનાર સૌનો આભાર.

kishor Barot

12-08-2021

હું તો ઘર રે ગુંથું છું મકાનમાં.
દક્ષા બહેને ગૃહિણીના મનોભાવોને અતિ સુંદર સ્વરૂપે ગૂંથ્યાં છે.
અભિનંદન ?

છબીલભાઈ ત્રિવેદી

11-08-2021

દક્ષા સંઘવી નુ કાવ્ય ખુબજ સરસ ઘર ની કલ્પના દિકરી નાની હોય ત્યાર થીજહોય છે અેટલેજ તો તે ઘરઘર રમે છે સ્ત્રીઓ વગર નુ ઘર તે ઘર નથી ખુબ સરસ રચના આભાર લતાબેન

Vivek Tailor

11-08-2021

સરસ રચના

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: