પારુલ ખખ્ખર – રે બાઈ…* Parul Khakhkhar

સાંજુકી વેળાએ ઉઘલે બજાર, લોક ઘરભેળા થાય પરભારા
રે બાઈ… તું પાથરતી જાય કાં પથારા!

એક તો ઉછીનું પાથરણું તારું ને માથે ઉછીનો અસબાબ
ગાંઠમાં કાણી ય કોડી નથી ને તોય શેનો છે આટલો રુઆબ!
નક્કામી ચીજોના વેપલા કરવાના શીદને જાગ્યા છે ધખારા!
રે બાઈ… તું પાથરતી જાય કાં પથારા!

શું રે લખીશ બાઈ… લખવાની થાશે જો આકરા જંગની સંહિતા!
આમ તો ક્યાંય નથી દેખાતું સમરાંગણ, ક્યાંય નથી સંભળાતી ગીતા
ઝીણાં ઝીણાં રે તોય વાગ્યા કરે છે ક્યાંક રણશીંગા-ઢોલક-નગારાં
રે બાઈ… તું પાથરતી જાય કાં પથારા!

ઠાકરની દીધેલી બે ખોબા માટીમાં ખંતેથી કીધેલી ખેડ
પાણીડાં સીંચ્યા ને નિંદામણ કાઢ્યા તો મોલ થયો રાજીનો રેડ
આથમણી કોરના ઝાંખા અજવાસમાં ખેતર મારે છે ઝગારા
રે બાઈ… તું પાથરતી જાય કાં પથારા!  

~ પારુલ ખખ્ખર

પ્રૌઢાવસ્થા તરફ વળતી જિંદગીના ચિંતનનું ગીત ; એક આગવી શૈલીમાં, સચોટ પ્રતીકોમાં અને શુદ્ધ કાઠિયાવાડી રણકામાં આલેખાય અને કવિતા દીપી ઊઠે. પારૂલ ખખ્ખરના કાવ્યો અનોખાં છે. આ કવયિત્રીમાં કોઈપણ વિષયને  કાવ્યમાં અવતારી શકવાનું સામર્થ્ય છે. ભીડ વચ્ચેય એનો પોતાના બળુકો અવાજ નોખો તરી આવે ! ‘ર.પા.ની આવૃતિ’ એવી કવિત્વથી ભરી ભરી આ કલમ ડાળખીથી ઘેઘૂર વૃક્ષ બનવા તરફ વેગથી જઇ રહી છે.

સાભાર :  1. ‘કલમને ડાળખી ફૂટી’  2. ‘કરિયાવરમાં કાગળ’  કાવ્યસંગ્રહો 

મૂળ પોસ્ટિંગ 28.10.2020

Neepa Bhatt

28-10-2020

પારૂલબેનની અનેક પ્રિય રચનાઓ પૈકી આ એક ! કવિયત્રીની આગવી, લાક્ષણિક શૈલીમાં લખાયેલી સંવેદનાસભર રચના !

Vivek Tailor

28-10-2020

સરસ ગીત રચના. આનંદ

Rina

28-10-2020

વાહ…. પારુલ … એમની કવિતાઓનો એક અલગ અવાજ છે… વૈવિધ્ય છે….

Sandhya Bhatt

28-10-2020

પારુલ ખખ્ખરની કવિતાઓની ચાહક છું.આ કવિતા પણ વારંવાર વાંચવી ગમે એવી છે..અભિનંદન આપ બંનેને..

Parul Khakhar

28-10-2020

Khub khub aabhar lata bahen 🙏

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: