નરસિંહરાવ દિવેટિયા ~ આ શી ઊંડી રજની

આ શી ઊંડી રજની આજની ભણે ઊંડા ભણકાર!

ઘેરી ગુહા આકાશની રે માંહિ સૂતો ઊંડો અન્ધકાર,
ઊંડા ડૂબ્યા નભતારલા કંઈ ગૂઢ સન્દેશ વ્હેનાર રે;
આ શી ઊંડી રજની!

શાન્તિપૂર રેલી રહ્યું રે ઊંડું, અદભુત સહુ ઠાર,
એ પૂરને ઝીણું ઝીણું હલાવી છાનો અનિલ રમે સુકુમાર રે;
આ શી ઊંડી રજની!

ડૂબી ઊંડી એ પૂરમાં રે તરુવરકેરી હાર,
મોહમન્ત્રથી મૂઢ બની એ કાંઈ કરે ન ઉચ્ચાર રે;
આ શી ઊંડી રજની!

મૂઢ બન્યો એહ મંત્રથી રે, સ્તબ્ધ ઊભો હું આ વાર,
ગૂઢ અસંખ્ય ભેદો કંઈ, કરે ચોગમ ઘોર ઝંકાર રે;
આ શી ઊંડી રજની!

જાગી ઊઠી એ ઝંકારથી રે અનુભવું દિવ્ય ઓથાર,
ભરાયું ભેદ અસંખ્યથી રે મ્હારું હૃદય ફાટે શતધાર રે!
આ શી ઊંડી રજની!

ગૂંથાયું એ શતધારથી રે એહ સ્તબ્ધ હૃદય આ ઠાર,
શાન્ત, અદભુત, ઊંડા કંઈ સૂણે ઉચ્ચ ગાનના પુકાર રે.
આ શી ઊંડી રજની!  

– નરસિંહરાવ દિવેટિયા

એવાં પ્રકૃતિગીત કે જે વાંચતાં હૃદયમાં શાતા વળે અને મનમાં એક મધુર ભાવ છવાઈ જાય – બહુ ઓછાં અને એમાનું આ એક ! આ ગીત વાંચીએ તો લાગે કે માત્ર પ્રકૃતિદર્શનથી આ ન નીપજે. પ્રકૃતિની શાંત અદભૂત ધારા હૃદયમાં પણ સતત વહેતી રહેતી હોય અને એ બંનેનો સંયોગ થાય ત્યારે જ આવું કાવ્ય રચાય ! આ કાવ્યનું નિરાંતે એકાંતમાં અને ભાવથી પઠન કરવામાં આવે તો રમણીય રાત્રિની સ્તબ્ધતા હૃદયમાં વ્યાપી વળે.

3.9.21

આભાર આપનો

11-09-2021

આભાર આપ સૌનો,

છબીલભાઈ, મેવાડાજી, વારિજભાઈ, મયૂરભાઈ.

‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેનારા સૌ મિત્રોનો આભાર.

ડો. પુરુષોત્તમ મેવાડા, સાજ

03-09-2021

અંધાર‌ઘેરી રાત્રીની વનરાજી વચ્ચે દિવ્યાનુભૂતિનું કાવ્ય. વારંવાર વાંચતાં ઘણા સંવેદનો અનુભવાય છે.

Varij Luhar

03-09-2021

ખૂબ જ સરસ રચના.. કવિશ્રી નરસિંહરાવ દિવેટિયા ને તેઓની જન્મ જયંતિએ સાદર વંદન ?

છબીલભાઈ ત્રિવેદી

03-09-2021

આજનુ નરસિંહ રાવ દિવેટીયા નુ કાવ્ય અદભુત પ્રક્રુતિ ની અદભૂત દેન અેટલે રાત્રિ અને અેને લઇ ને રચાયેલુ કાવ્ય ખુબ ખુબ અભિનંદન આભાર લતાબેન

મયૂર કોલડિયા

03-09-2021

ખૂબ સુંદર વર્ણનગીત…. સુંદર આસ્વાદ….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: