જગદીશ જોષી ~ ધારો કે * Jagdish Joshi

ધારો કે એક સાંજ આપણે મળ્યાં અને આપણે હળ્યાં
પણ આખા આ આયખાનું શું?
ખુલ્લી આ આંખ અને કોરી કિતાબ
એને ફરીફરી કેમ કરી વાંચશું?

માનો કે હોઠ સ્હેજ મ્હોરી ઉઠ્યા
ને છાતીમાં મેઘધનુષ ફોરી ઉઠ્યાં
પણ બળબળતી રેખાનું શું?

આકાશે આમ ક્યાંક ઝુકી લીધું
ને ફૂલોને ‘કેમ છો?’ પૂછી લીધું
પણ મૂંગી આ વેદનાનું શું?

માનો કે આપણે ખાધું-પીધું
અને માનો કે રાજ! થોડું કીધુંયે રાજ,
પણ ઝૂરતા આ ઓરતાનું શું?

ધારો કે રાણી! તમે જીતી ગયાં
અને ધારો કે વાયરા વીતી ગયા
પણ આ માંડેલી વારતાનું શું? 

~ જગદીશ જોષી

વિષાદમાં ઝબોળેલા સવાલનો જવાબ કવિ પાસે તો નથી જ, ભાવકનેય જડવો મુશ્કેલ છે. કવિના પ્રશ્નનો જવાબ સંતો પાસેથી ન મેળવાય એ યાદ રાખવું ઘટે !

જરીક સુખની વાદળી મંડાણી ને તરત જ બળબળતો તાપ વેઠવાનો આવે એનું શું ? સવારના ફૂલો પર ફરકેલી ઝાકળ કે હળવી સુગંધ જેવા સુખને સાચવવાની મથામણ કોઈ કરી નથી શકતું. માનવી સ્વીકારીને ચાલ્યા રાખે છે, પણ કવિને પ્રશ્ન ઊઠે છે અને છાતીમાં ભરચક વેદના લઈને જન્મેલા આવા કોઈક પ્રતિભાશાળી કવિનો પ્રશ્ન આમ હૈયામાં ટીસ બની ચૂભી જાય છે !  

21.9.21

કાવ્ય : જગદીશ જોષી * સ્વર ભુપીન્દર * સંગીત અજિત શેઠ

સાભાર : યુનિવર્સલ મ્યુઝિક ગ્રૂપ

*****

ડો. પુરુષોત્તમ મેવાડા, સાજ

21-09-2021

લગભગ ૧૫ વર્ષો પહેલાં પહેલીવાર આ ગીત સાંભળ્યું હતું. આજે કવિની, સ્વરકાર, ગાયનની અભિવ્યક્તિ એટલીજ તાજી અને હ્રદય સાંસરી ઉતરી જાય છે. અમર રહેવા સર્જાયેલું ગીત છે.

Varij Luhar

21-09-2021

અદભૂત.. અવિસ્મરણીય ગીત.. કવિશ્રી જગદીશ જોષી ની શબ્દ ચેતનાને વંદન

છબીલભાઈ ત્રિવેદી

21-09-2021

કવિ શ્રી જગદીશ જોષી સાહેબ ની રચના ખુબ સરસ અમુક સવાલો ના જવાબ નથી હોતા સંતો પાસે તો હરેક તાળા ની કુંચી છેજ અાભાર લતાબેન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: