ભારતી પ્રજાપતિ ~ નિરંતર પહેરતાં

નિરંતર પહેરતાં મન વસંત ભીની મજા! 
વળી સબળ હૂંફથી સભર પી શિયાળા બધાં 
દિવસપન વાવતાં ભરબપોર વૈશાખમાં! 
કુતૂહલ ભરી ઊડે બસ જુદા નભો શોધતાં! 

ન પાનખર પાથરે, બસ અથાક તૃષ્ણા ચણે. 
કદી સમય હાંફતો અકલ દોટ સંગે ઘણો 
પરે નિયમ સૃષ્ટિના પરમતા  ધરી શ્ચાસમાં
અનાગત પળો ભરે સહજ ઘૂંટ પીયૂષના

કરે જ નકશી, હતાં થર અતીત પીડા તણાં
જરા નરમ ટીપતાં મન ચડેલ ભારીપણાં
રસાયણ ઉજાસની અનુપ ઘાટ મૂલ્યો ઘડે!
રચાય પડ ખોતરી બસ કલા થકી કાળના! 

નવો સમય ફૂટતો તવ ક્ષણો ધરી કોખમાં 
સજીવન બની સજે નવયુઞો કલાકારથી! 

સોનેટ લખનાર બહુ ઓછી કવયિત્રીઓ. ભારતી પ્રજાપતિ એમાંના એક છે. મનના અકળ અગોચર વિશ્વને વર્ણવતું આ સોનેટ પૃથ્વી છંદમાં સરસ રચાયું છે. કુદરતની લીલા સાથે માનવીના મનના રહસ્યોના તાંતણા સરસ સંધાયા છે.

મનને નવાં નવાં વસ્ત્રો જોઈએ. અખૂટ ઇચ્છાનું એ જ તો જન્મસ્થાન છે. બાહ્ય સાધનો હોય કે કુદરતના બદલાતા રૂપો, મન હંમેશા નિત્ય નવું ઝંખશે. અનુભૂતિઓમાં પણ નાવીન્ય ! વસંતના રસોત્સવની ભીનાશ અંગે ઓઢી ન ઓઢી ત્યાં શિયાળાની હૂંફ માટે મન અધીરું થઈ જાય. વૈશાખનો તાપ દિવસને દઝાડે ને સાંજને ઠારે, પણ એનું રૂપ જુદું ! ઋતુઓની લીલા માનવીના મનને ઇંદ્રધનુષના રંગે રંગતી રહે. નવા નવા કુતૂહલો પ્રગટાવતી રહે ! એને જોવાની, માણવાની સૂઝ, સમજ ને દૃષ્ટિ જેનામાં હોય એના માટે !

20.9.21

Gaurangi

24-09-2021

સુંદર અભિવ્યક્તિ શબ્દો ની…

ખૂબ અભિનંદન …

આભાર આપનો

22-09-2021

આભાર આપનો છબીલભાઈ, મેવાડાજી અને નીલાબેન …

ભારતીબેન આનંદ આનંદ

‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેનારા સૌ મિત્રોનો આભાર.

ભારતી પ્રજાપતિ

22-09-2021

આદરણીય નીલાબહેન ,વંદન ;ચરણ સ્પર્શ. આપનો ખુબ ખુબ આભાર. છબીલભાઈ ત્રિવેદી, નમસ્કાર .આપનો ખુબ ખુબ આભાર. પુરુષોત્તમભાઈ મેવાડા, નમસ્કાર .આપનો ખુબ ખુબ આભાર.

છબીલભાઈ ત્રિવેદી

21-09-2021

ભારતી બેન નુ સોનેટ ખુબજ સુન્દર મન તો બધી ત્રુષ્ણા નુ ઉદગમ સ્થાન છે અેટલેજ આપણા સંતો અે મન રૂપી મ્રુગલા ને મારવા ની વાત કહી છે દરરોજ વૈવિધ્ય સભર કાવ્યો માણવા ની ખુબજ મજા આવે છે આભાર લતાબેન

Neela varma

20-09-2021

ભારતીને ખૂબ ખૂબ આશીર્વાદ સહ અભિનંદન
આજના સમયમાં કવિતા, કવિતાની સમજ, વિષય વસ્તુ, છંદ, પ્રાસ, પ્રકાર શબ્દ પસંદગી વગેરે…..
ખૂબ ઓછા સમજે કે કરી શકે ત્યારે તારી આ કલાને માણતા બિરદાવતા હૈયે હરખ ઉભરાય જ.
તારી કવિતા માત્ર તારી રહેતા વિશ્વની બની રહે એવી શુભેચ્છાઓ

ડો. પુરુષોત્તમ મેવાડા, સાજ

20-09-2021

વાહ, ખૂબ સરસ સોનેટ.

ભારતી પ્રજાપતિ

20-09-2021

આદરણીય બહેનશ્રી, લતાબેન. ‘કાવ્યવિશ્વ ‘દ્વારા આપ ખૂબ સરાહનીય કાર્યો કરી રહ્યા છો. આધુનિક કાવ્ય વિશ્વ કેવા કલેવર બદલી રહ્યું છે એની ઝીણવટપૂર્વક સમીક્ષા અને વિવિધ વિષયોની છણાવટ માહિતી પ્રદાન રહે છે. કાવ્યોની અવનવી ભાતો ,રંગોને ભાવકો સમક્ષ ખૂબ સરસ રીતે મુકવા માટે સમગ્ર ટીમને ખુબ ખુબ અભિનંદન .આદરણીય કવિઓના પરિચય અને કાવ્યોની સાથે જોડાયેલી યાદોની માહિતીનો ખજાનો કાવ્યના અભ્યાસ માટે પણ ઘણો ઉપકારક નીવડે તેવો છે.’ કાવ્ય વિશ્વ ‘ સિદ્ધિના અનેક શિખરો સર કરે તેવી શુભેચ્છાઓ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *