બ.ક.ઠાકોર ~ આઘે ઊભાં

આઘે ઊભાં તટધુમસ : બ.ક.ઠાકોર

(ગુજરાતી ભાષાનું સર્વપ્રથમ સૉનેટ)
(છંદ: મંદાક્રાન્તા, પ્રકાર: પેટ્રાર્કશાઈ સૉનેટ, સ્વરૂપ: અષ્ટક્-ષટક્)

આઘે ઊભાં તટધુમસ જેમાં દ્રુમો નીંદ સેવે,
વચ્ચે સ્વપ્ને મૃદુ મલકતાં શાંત રેવા સુહાવે;
ઊંચાંનીચાં સ્તનધડક શાં હાલતાં સુપ્ત વારિ,
તેમાં મેળે તલ સમ પડે ઊપડે નાવ મ્હારી.
માથે જાણે નિજ નરિ જુવે કાંતિ તો સૃષ્ટિ સૂતી
ચોંકી જાગે, કુસુમવસને તેથિ જ્યોત્સ્ના લપાતી;
ને બીડેલાં કમલમહિં બંધાઇ સૌંદર્યઘેલો
ડોલે લેટે અલિ મૃદુ પદે, વાય આ વાયુ તેવો.

ત્યાં સૂતેલો લવું નવલ અર્ધા અનાયાસ છંદ,
કે ડોલંતી ગતિ પર સજૂં બીનના તાર મંદ,
તેમાં આ શી – રજનિ ઉરથી, નર્મદા વ્હેનમાંથી,
સ્વર્ગંગાની રજત રજ, કે વાદળી ફેનમાંથી,
– પુષ્પે પાને વિમલ હિમમોતી સરે, તેમ છાની
બાની ભીની નિતરિ નિગળે અંતરે શીય, સેહ્ ની ! – બળવંતરાય ક. ઠાકોર

અર્વાચીન ગુજરાતી કવિતામાં યુરોપથી આવેલ એકમાત્ર કાવ્યપ્રકાર એટલે સૉનેટ. 13મી સદીમાં ઈટાલીમાં જન્મીને 16મી સદીમાં અંગ્રેજીના વાઘાં પહેર્યા બાદ આ કાવ્ય-પ્રકાર 19મી સદીના અંતભાગમાં આવ્યું ગુજરાતી કવિતામાં. ઈ.સ. 1888ની સાલમાં બ.ક.ઠાકોરે લખેલું આ સૉનેટ એ આપણી ભાષાનું સર્વપ્રથમ સૉનેટ મનાય છે. સર્વપ્રથમ હોવા છતાં આ સૉનેટ ક્યાંયથી ઊણું ઉતરતું ભાસતું નથી એ પ્રથમ પ્રયત્ને જ કોઈ સાહસવીર એવરેસ્ટ આંબી લે એવી વિરલ સિદ્ધિ છે. – વિવેક ટેલર

સૌજન્ય : લયસ્તરો

ગુજરાતી સોનેટના પિતામહ કવિ બ.ક.ઠાકોરને એમના જન્મદિને સ્મૃતિવંદન. 

23.10.21

***

વિવેક મનહર ટેલર

28-10-2021

આભાર

આભાર આપનો

24-10-2021

આભાર વારિજભાઈ, વિવેકભાઈ અને છબીલભાઈ.

‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેનાર સૌનો આભાર.

છબીલભાઈ ત્રિવેદી

24-10-2021

આજનુ બ, ક, ઠાકોર સાહેબ નુ સોનેટ ખુબજ ઉમદા અને માણવા લાયક રહ્યુ પ્રથમ સોનેટ પણ કેટલુ સરસ તેમના જન્મદિવસની શુભકામના આભાર લતાબેન

Varij Luhar

23-10-2021

કવિશ્રી બ.ક. ઠાકોર ની શબ્દ ચેતનાને વંદન.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: