પ્રભુલાલ દ્વિવેદી ~ ઘડૂલી ક્યારે

ઘડૂલી ક્યારે શિર પર ચડી? ~ પ્રભુલાલ દ્વિવેદી

ઘડૂલી ક્યારે શિર પર ચડી?
માટીને મોટપ કયારે મળી? –
માટી ખોદી, મૂકી ગધેડે કુંભાર ઘર લઈ આવ્યો,
ગારો કીધો પગથી ખૂંદી ખૂંદી પિંડ બનાવ્યો,
આકાર પામવા ચડી ચાકડે ત્યારે કાયા ઘડી.
ઘડૂલી કયારે શિર પર ચડી?

છાંયે સૂકવી ટપલે ટીપી રાખ મહીં રગદોળી,
હશે હજી સંસ્કારો ઓછા, કાય રંગમાં રોળી,
છતાંય કાચી હતી તે પાકી થવા નિંભાડે ચડી.
ઘડૂલી કયારે શિર પર ચડી?

પછી ટકોરે તપાસી જોઈને લઈ ગઈ કોઈ પનિહારી,
ગળે દોરડું બાંધી એને ઊડેં કૂવે ઉતારી,
બડબડ કરતી બૂડી કૂપમાં જાણ્યું મુક્તિ જડી.
ઘડૂલી કયારે શિર પર ચડી?

દીધો આંચકો, એક પલકમાં પાછી ઉપર તાણી,
અગર છાકમાં હતી છલકતી તો અધૂરી કહેવાણી,
પૂર્ણ હતી તો ચડી શિશ પર મુસીબતોથી લડી.
ઘડૂલી કયારે શિર પર ચડી? – પ્રભુલાલ દ્વિવેદી

માનવીએ શિખરે પહોંચવા કેવી આકરી કસોટીઓમાંથી પસાર થવું પડે છે ! અંદર રહેલી અહમની કે અધીરાઈની એક એક કાંકરી ખરી જાય ત્યારે જ સાચો ઘાટ મળે છે. ઘડૂલીના પ્રતીકથી જીવન રજૂ કરી દીધું છે.

કવિના જન્મદિને સ્મૃતિવંદન.

15.11.21

***

આભાર આપનો

17-11-2021

આભારી છું મેવાડાજી, છબીલભાઈ, વિવેકભાઈ, રેખાબેન અને ‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેનાર તમામ મિત્રોની.

સાજ મેવાડા

16-11-2021

આમતો આ કવિતામાં પહેલી નજરે ફક્ત માટીમાંથી મટકી બની માથે ચઢવા સુધી ની પ્રક્રિયા લાગે, પણ મર્મ પુરી થતાં એક વિસ્ફોટક રીતે સમજાય, એજ એની ખૂબી છે.

વિવેક મનહર ટેલર

16-11-2021

સરસ મજાનું કાવ્ય. સમયાતીત.

રેખાબેન ભટ્ટ

16-11-2021

કેટલું સુંદર ગીત? ભુલાઈ ગયેલું, તે તમે મૂક્યું એટલે આનંદ થયો. 🌹🌹🌹

આભાર આપનો

15-11-2021

આભાર છબીલભાઈ

છબીલભાઈ ત્રિવેદી

15-11-2021

આજનુ પ્રભુલાલ દ્વિવેદી નુ કાવ્ય તેમના જન્મદિવસે આપ્યું ખુબ મજા આવી આપણા સંતો અે પણ શરીર ને કાચી માટી નો ઘડુલો કહ્યુ છે આભાર લતાબેન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: