અમૃત ઘાયલ ~ ગભરૂ આંખોમાં Amrut Ghayal

ગભરૂ આંખોમાં કાજળ થઈ અમૃત ઘાયલ

ગભરૂ આંખોમાં કાજળ થઈ લહેરાઈ જવામાં લિજ્જત છે
ચર્ચાનો વિષય એ હોય ભલે ચર્ચાઈ જવામાં લિજ્જત છે.

વેચાઈ જવા કરતાંય વધુ વહેંચાઇ જવામાં લિજ્જત છે
હર ફૂલ મહીં ખુશબો પેઠે ખોવાઈ જવામાં લિજ્જત છે.

પરવાના પોઢી જાયે છે ચિર મૌનની ચાદર ઓઢીને,
હે દોસ્ત, શમાની ચોખટ પર ઓલાઈ જવામાં લિજ્જત છે.

દુ:ખ પ્રીતનું જ્યાંત્યાં ગાવું શું? ડગલે પગલે પસ્તાવું શું?
એ જોકે વસમી ઠોકર છે પણ ખાઈ જવામાં લિજ્જત છે.

જે અંધ ગણે છે પ્રેમને તે આ વાત નહીં સમજી જ શકે,
એક સાવ અજાણી આંખથી પણ અથડાઈ જવામાં લિજ્જત છે.

બે વાત કરીને પારેવાં થઈ જાયે છે આડાંઅવળાં,
કૈં આમ પરસ્પર ગૂંથાઈ, વીખરાઈ જવામાં લિજ્જત છે.

સારાનરસાનું ભાન નથી પણ એટલું જાણું છું ‘ઘાયલ’,
જે આવે ગળામાં ઊલટથી એ ગાઈ જવામાં લિજ્જત છે.

– અમૃત ઘાયલ

5.12.21

વિખ્યાત શાયર અમૃત ઘાયલના જન્મદિને તેમની એક જાણીતી ગઝલ પાર્થિવ ગોહિલના સ્વરમાં માણીએ.

*****

Varij Luhar

06-12-2021

કવિશ્રી અમૃત ઘાયલ ની શબ્દ ચેતનાને વંદન 🙏🙏

છબીલભાઈ ત્રિવેદી

05-12-2021

આજે ઘાયલ સાહેબ નો જન્મદિવસ તેમની બન્ને ગઝલ ખુબ સરસ ખુમારી ના કવિ તરીકે ઘાયલ સાહેબ જાણીતા છે આ તકે રૂસ્વામજલુમી પાજોદ દરબાર યાદ આવે,, મારોય અેક જમાનો હતો કોણ માનશે,,,,, પાજોદ રુસ્વા સાહેબ ના ઘરે ઘાયલ સાહેબ તથા શુન્યપાલનપુરી રહેતા અને ગઝલ આરાધના કરતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: