અમૃત ઘાયલ ~ એવુંય ખેલખેલમાં Amrut Ghayal

એવુંય ખેલ ખેલમાં ખેલી જવાય છે – અમૃત ઘાયલ

એવુંય ખેલ ખેલમાં ખેલી જવાય છે,
હોતી નથી હવા અને ફેલી જવાય છે.

ઊંઘી જવાય છે કદી આમ જ ટહેલતાં
ક્યારેક ઊંઘમાંય ટહેલી જવાય છે.

આવી ગયો છું હું ય ગળે દોસ્તી થકી
લંબાવે કોઈ હાથ તો ઠેલી જવાય છે.

બલિહારી છે બધીય ગુલાબી સ્મરણ તણી
આંખો કરું છું બંધ, બહેલી જવાય છે.

મળતી રહે સહાય નશીલી નજરની તો
આંટીઘૂંટી સફરની ઉકેલી જવાય છે.

લાગે છે થાક એવો કે ક્યારેક વાટમાં
સમજી હવાને ભીંત અઢેલી જવાય છે.

‘ઘાયલ’, ભર્યો છે એટલો પૂરો કરો પ્રથમ
અહીંયાં અધૂરો જામ ના મેલી જવાય છે.

– અમૃત ઘાયલ
 

કવિને સ્મૃતિવંદના.

5.12.21

આભાર આપનો

10-12-2021

આભાર મેવાડાજી અને છબિલભાઈ.

‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેનારા સૌ મિત્રોનો આભાર.

સાજ મેવાડા

07-12-2021

વાહ, ઘાયલ સાહેબ, હવા ની ભીંત, વાહ.

છબીલભાઈ ત્રિવેદી

05-12-2021

આજે ઘાયલ સાહેબ નો જન્મદિવસ તેમની બન્ને ગઝલ ખુબ સરસ ખુમારી ના કવિ તરીકે ઘાયલ સાહેબ જાણીતા છે આ તકે રૂસ્વામજલુમી પાજોદ દરબાર યાદ આવે,, મારોય અેક જમાનો હતો કોણ માનશે,,,,, પાજોદ રુસ્વા સાહેબ ના ઘરે ઘાયલ સાહેબ તથા શુન્યપાલનપુરી રહેતા અને ગઝલ આરાધના કરતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: